વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારથી સંયુક્ત આરબ અમીરાત (UAE) ની બે દિવસીય મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે વિવિધ વિષયો પર ચર્ચા કરશે અને અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. શનિવારે મુલાકાતની જાહેરાત કરતા વિદેશ મંત્રાલય (MEA) એ જણાવ્યું હતું કે 2015 પછી UAEની આ વડાપ્રધાનની સાતમી મુલાકાત હશે. તેમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદી અને યુએઈના પ્રમુખ અલ નાહયાન બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ, વિસ્તૃત અને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરશે અને પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરશે. વિદેશ મંત્રાલયે કહ્યું, વડાપ્રધાન UAEના ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને સંરક્ષણ પ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમને પણ મળશે.
વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024માં ભાગ લેશે
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમના આમંત્રણ પર વડાપ્રધાન મોદી દુબઈમાં આયોજિત થનારી વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024માં અતિથિ વિશેષ તરીકે ભાગ લેશે અને સમિટમાં વિશેષ સંબોધન કરશે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મોદી અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિર BAPS મંદિરનું પણ ઉદ્ઘાટન કરશે અને ઝાયેદ સ્પોર્ટ્સ સિટી ખાતે એક કાર્યક્રમમાં UAEમાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે.
