PM Modi પહોંચ્યા અમેરિકા, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રણ દિવસીય યુએસ મુલાકાતના પ્રથમ દિવસે શનિવારે સવારે ફિલાડેલ્ફિયા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે પીએમ મોદી રાષ્ટ્રપતિ બાઈડન દ્વારા આયોજિત ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લેવા માટે યુએસ પહોંચી ગયા છે. પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક કાર્યક્રમને પણ સંબોધિત કરશે. ભારત છોડતા પહેલા પીએમ મોદીએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ તેમના સાથીદારો – રાષ્ટ્રપતિ બાઈડન, ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બાની અને જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે ક્વાડ સમિટમાં જોડાવા માટે ઉત્સુક છે.

પીએમ મોદીએ કહ્યું કે આ મંચ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે કામ કરતા સમાન વિચારધારાવાળા દેશોના અગ્રણી જૂથ તરીકે ઉભરી આવ્યું છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ બાઈડન સાથેની તેમની મુલાકાત બંને દેશોને ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે નવા માર્ગોની સમીક્ષા કરવાની અને ઓળખવાની તક પૂરી પાડશે.

અમેરિકામાં પીએમ મોદીના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે. તેમની યુએસ મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ બાઈડન સાથે દ્વિપક્ષીય બેઠકમાં પણ ભાગ લેશે.