“અગાઉ સુરક્ષા દળોના હાથ બાંધેલા હતા”: નક્સલવાદના નાબૂદી મુદ્દે પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહાર

બસ્તર (છત્તીસગઢ):છત્તીસગઢના બસ્તર ખાતે સુરક્ષા જવાનો સાથે દીવાળીની ઉજવણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉની કોંગ્રેસ સરકારો પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ આરોપ લગાવ્યો હતો કે ભૂતકાળની કોંગ્રેસ સરકારોએ નક્સલવાદની સમસ્યાને ‘લા ઈલાજ બીમારી’ (incurable disease) માનીને તેને વણઉકેલાયેલી છોડી દીધી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે ૨૦૧૪ પછી દેશમાં નક્સલવાદી આતંક સામેની લડાઈમાં અભૂતપૂર્વ અને સકારાત્મક પરિવર્તન આવ્યું છે.સુરક્ષા જવાનોને સંબોધતા વડાપ્રધાને આંકડાઓ ટાંકીને જણાવ્યું હતું કે, ૨૦૦૪ થી ૨૦૧૩ દરમિયાન દર વર્ષે નક્સલવાદીઓ દ્વારા માર્યા જનારા સુરક્ષા જવાનોની સંખ્યા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા નક્સલવાદીઓ કરતા વધારે હતી. આ દર્શાવે છે કે તે સમયની સરકારોમાં આ સમસ્યાને ડામવા માટે જરૂરી રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ હતો.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે અગાઉની સરકારોના સમયમાં સુરક્ષા દળોના હાથ બાંધી રાખવામાં આવ્યા હતા અને તેમને જમીન પર યોગ્ય કાર્યવાહી કરવાની સ્વતંત્રતા નહોતી. વર્તમાન સરકારે કડક નિર્ણયો લઈને નક્સલવાદીઓની ફંડિંગ ચેનલ તોડી નાખી અને સુરક્ષા દળોને ખુલ્લી છૂટ આપી, જેના પરિણામે આજે બસ્તર જેવા ક્ષેત્રોમાંથી દાયકાઓ જૂના માઓવાદી આતંકનો અંત આવ્યો છે અને ત્યાં વિકાસની નવી કેડીઓ કંડારાઈ છે.