મહિલા આરક્ષણને લઈ PM મોદીએ વીડિયો સંદેશ જાહેર કર્યો

નવી દિલ્હી: PM નરેન્દ્ર મોદીએ મહિલા આરક્ષણ સાથે જોડાયેલા ખરડાને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર વીડિયો સંદેશ જાહેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે મહિલાઓને રાજકીય ભાગીદારી અપાવવાના વચનને પૂરું કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. વીડિયો શેર કરતાં PM મોદીએ કેપ્શનમાં લખ્યું હતું કે, “અમે આપણી નારી શક્તિને એક વચન આપ્યું હતું અને તેને પૂરું કરવા માટે પ્રતિબદ્ધ છીએ…”

વીડિયો સંદેશમાં PM મોદીએ કહ્યું હતું કે, આપણો ઉત્સાહ મજબૂત છે અને આપણું સાહસ અતૂટ છે. દેશની તમામ મહિલાઓના આશીર્વાદ આપણી સાથે છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રની મોદી સરકાર સંસદમાં સીમાંકન બિલ અને મહિલા આરક્ષણ બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ બિલ 30 નવેમ્બરે લોકસભામાં રજૂ કરવામાં આવશે.

PM મોદીએ વીડિયો સંદેશમાં શું કહ્યું?

વીડિયો સંદેશમાં PM મોદીએ જણાવ્યું હતું કે, મહિલાઓને રાજકીય ભાગીદારી અપાવવાની લડાઈ દાયકાઓથી ચાલી રહી છે. તેઓ પોતે પણ વર્ષોથી આ દિશામાં પ્રયાસ કરતા આવ્યા છે. અનેક મહિલાઓએ આ મુદ્દો તેમની સમક્ષ ઉઠાવ્યો છે અને ઘણી બહેનોએ પત્રો દ્વારા પોતાની વાત પહોંચાડી છે.

તેમણે કહ્યું,”મને ખબર છે કે દેશની 100 ટકા નારી શક્તિના આશીર્વાદ આપણી સાથે છે. હું દેશની દરેક મહિલાને વિશ્વાસ અપાવું છું કે મહિલા આરક્ષણના માર્ગમાં આવનારા દરેક અવરોધને અમે દૂર કરીને રહીશું. આપણો ઉત્સાહ મજબૂત છે, આપણું સાહસ અતૂટ છે અને આપણો સંકલ્પ અડગ છે.”

PM મોદીએ વધુમાં કહ્યું કે મહિલા આરક્ષણનો વિરોધ કરનારા રાજકીય પક્ષો દેશની નારી શક્તિને સંસદ અને વિધાનસભાઓમાં તેમની ભાગીદારી વધારવાથી ક્યારેય રોકી શકશે નહીં. હવે માત્ર સમયની રાહ જોવાઈ રહી છે.

30 નવેમ્બરે લોકસભામાં રજૂ થશે બિલ

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે સીમાંકન બિલની તૈયારી પૂર્ણ કરી લીધી છે. બિલની નકલો સંસદસભ્યોને પણ વહેંચવામાં આવી છે અને તેમને બિલનો અભ્યાસ કરવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, બિલ અંગે કોઈ સવાલ કે વાંધો હોય તો તે તૈયાર રાખવા પણ સાંસદોને સૂચના આપવામાં આવી છે. સંસદમાં ચર્ચા દરમિયાન સરકાર દરેક સવાલનો જવાબ આપવા તૈયાર હોવાનું જણાવવામાં આવ્યું છે.

30 નવેમ્બરે લોકસભાના સત્ર દરમિયાન આ બિલ રજૂ કરવામાં આવશે. મહિલા આરક્ષણ બિલ પણ સીમાંકન સાથે જોડાયેલું હોવાથી, આ ખરડાઓ પસાર થયા બાદ 2029ની લોકસભા ચૂંટણીમાં મહિલાઓ માટે 33 ટકા આરક્ષણ લાગુ થવાનો માર્ગ મોકળો થઈ શકે છે.