કલ્પના કરો કે ફિલ્મ ‘શોલે’ (1975)ના એ અમર જેલરે પડદા પર આવીને ‘હમ અંગ્રેજોં કે જમાને કે જેલર હૈં’ને બદલે
‘હમ જર્મન કે જમાને કે જેલર હૈં’ અથવા ‘હમ જર્મન શાસન કે જમાને કે જેલર હૈં’ એમ કહ્યું હોત, તો સાંભળવામાં થોડું અટપટું અને અજાણ્યું લાગ્યું હોત. ખરું ને?
કદાચ એવું લાગે કે કોઈ દૂરના વિદેશી સરમુખત્યારના સમયની વાત થઈ રહી છે, જેની સાથે આપણા રોજિંદા હાસ્ય કે જૂની યાદોનો સીધો તાર જોડાતો નથી. પરંતુ જ્યારે એ જ જગ્યાએ ‘અંગ્રેજોં કે જમાને કે’ શબ્દપ્રયોગ આવ્યો, ત્યારે એક જ ક્ષણમાં જાદુ થઈ ગયો અને આખી વાત આપણા પોતાના ઇતિહાસ, ઘરઆંગણાના ઠાઠ અને દેશી રમૂજ સાથે જોડાઈ ગઈ.
અસરાનીએ ભજવેલા યાદગાર ‘જેલર’ના પાત્રના સૌથી મોટા જાદુની શરૂઆત શબ્દોની સચોટ પસંદગીથી થઈ હતી. આ સંવાદ પાછળ લેખક જોડી સલીમ-જાવેદની સૂઝબૂઝ હતી.
મૂળ વિચાર હિટલરની શૈલીથી પ્રેરિત હતો, પરંતુ ‘જર્મન’ શબ્દ વાપરવાને બદલે સલીમ-જાવેદે ‘અંગ્રેજોં કે’ શબ્દપ્રયોગ પસંદ કર્યો. શરૂઆતના વિચારમાં જર્મન શાસન અને સરમુખત્યારની શૈલીનો પડઘો હતો, પરંતુ જો સીધો ‘જર્મન કે જમાને કે’ શબ્દપ્રયોગ જળવાઈ રહ્યો હોત, તો કદાચ ભારતીય દર્શકોને એટલો અંગત સ્પર્શ ન થાત.

‘અંગ્રેજોં કે જમાને કે’ શબ્દો જોડાતાં આપણા દેશના લોકો માટે તે જાણે કોઈ જૂની, જાણીતી અને થોડી રમૂજી યાદ તાજી કરવા જેવી વાત બની ગઈ. શૂટિંગ દરમિયાન આ સંવાદમાં થયેલા નાના-મોટા ફેરફારો અને તાત્કાલિક સૂઝેલી કડીઓએ તેને એવું રૂપ આપ્યું કે તે સામાન્ય સંવાદ મટીને પાત્રની અમર ઓળખ બની ગયો.
હિન્દી સિનેમાના ઇતિહાસમાં ‘શોલે’ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ દરેક દૃશ્યમાં છુપાયેલા અવનવા રંગોનો એક ભવ્ય ઉત્સવ છે.
આ ઉત્સવમાં ગબ્બરની ગર્જના, જય-વીરુની યારી અને ઠાકુરના મૌન વચ્ચે એક એવો વળાંક આવે છે, જ્યાં ગંભીરતાનો પડદો ચિરાઈ જાય છે અને અચાનક એક અનોખું હાસ્ય ફૂટી નીકળે છે.
આ હાસ્યનું કેન્દ્રબિંદુ છે એક એવો ‘જેલર’, જે પડદા પર થોડા સમય માટે જ દેખાય છે, પરંતુ પોતાની એટલી ઊંડી છાપ છોડી જાય છે કે દર્શકો આજે પણ તેની યાદ આવતાં જ ખડખડાટ હસી પડે છે.
આ પાત્રની વિશેષતા એ છે કે તેમાં એક વિચિત્ર વિરોધાભાસ જોવા મળે છે. એક તરફ તે પોતાને અત્યંત હોશિયાર, શિસ્તબદ્ધ અને પ્રભાવશાળી શાસક સમજે છે અને બીજી તરફ તેની દરેક હરકતમાં એક અજીબોગરીબ ભોળપણ અને ઘમંડ છલકાય છે.
ઇતિહાસના સૌથી કુખ્યાત સરમુખત્યારો પૈકીના એક એડોલ્ફ હિટલરની છબી પર કરવામાં આવેલો આ કટાક્ષ એટલો સચોટ છે કે સરમુખત્યારશાહીનો દંભ અને ભય અહીં હાસ્યના ફુવારામાં ફેરવાઈ જાય છે.
આ આખા દૃશ્યને આટલું જીવંત બનાવવા પાછળ એક સુંદર સહિયારો પ્રયાસ કામ કરી ગયો છે. લેખકોના વિચારો, દિગ્દર્શકની નજર અને અભિનયની કળા – આ બધું જ્યારે એક જ લયમાં ગોઠવાયું, ત્યારે એક ઘમંડી છતાં મજેદાર ‘જેલર’નો જન્મ થયો.

જેલરના પાત્રને જીવંત બનાવવામાં અસરાનીનું યોગદાન એટલું જ મહત્ત્વપૂર્ણ હતું, જેટલું રમેશ સિપ્પી અને સલીમ-જાવેદનું. અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર જેવા કલાકારોએ તેમાં જે સાથ આપ્યો, તેનાથી આખું દૃશ્ય અવિસ્મરણીય બની ગયું.
આ પાત્રની અભિવ્યક્તિ થોડી અતિશયોક્તિભરી છે, જેમાં તે સમયની હાસ્યશૈલીની ઝલક પણ જોવા મળે છે. આ પાત્રના ઘડતરમાં વિશ્વસિનેમાની જૂની યાદો અને અભિનયની તાલીમનો પણ મોટો ફાળો રહ્યો છે.
ચાર્લી ચેપ્લિનની ‘ધ ગ્રેટ ડિક્ટેટર’માં સરમુખત્યારની નકલ કરીને જે રીતે હાસ્ય નિપજાવવામાં આવ્યું હતું, તેની ઝલક અહીં પણ જોવા મળે છે.
કહેવાય છે કે આ પાત્રની તૈયારી માટે અસરાનીએ ચાર્લી ચેપ્લિનની પ્રખ્યાત ફિલ્મ ‘ધ ગ્રેટ ડિક્ટેટર’ વારંવાર જોઈ હતી. હિટલરની ચાલવાની ઢબ, નાની મૂછો અને બોલવાની તીક્ષ્ણ શૈલીને તેમણે પોતાના અભિનયમાં હાસ્યાત્મક રીતે વણી લીધી હતી.

રમેશ સિપ્પી અને સલીમ-જાવેદે જ્યારે તેમને આ પાત્ર વિશે સમજાવ્યું, ત્યારે અસરાનીએ પોતાની થિયેટર અને અભિનયની તાલીમનો પૂરેપૂરો ઉપયોગ કરીને પાત્રની દેહભાષા (બોડી લેંગ્વેજ) તૈયાર કરી હતી. વારંવાર પાછળ હાથ રાખીને ચાલવું અને ‘આધે ઇધર જાઓ, આધે ઉધર જાઓ…’ જેવા સંવાદોની રજૂઆત એનું સુંદર ઉદાહરણ છે.
એવું પણ કહેવાય છે કે અસરાનીને હિટલરનાં અસલી ભાષણોનાં રેકોર્ડિંગ્સ સંભળાવવામાં આવ્યાં હતાં, જેથી તેઓ તેના અવાજમાં રહેલા ઉતાર-ચઢાવ અને ગુસ્સાભરી અભિવ્યક્તિને હાસ્યમાં રૂપાંતરિત કરી શકે.
લેખન, દિગ્દર્શન અને અભિનયના આ અદ્ભુત સમન્વયથી સર્જાયેલું ‘શોલે’નું જેલરનું પાત્ર આજે પણ હિન્દી સિનેમાના સૌથી યાદગાર હાસ્યપાત્રોમાં સ્થાન ધરાવે છે.




