PM મોદીએ રામ લલ્લાના દર્શન કર્યા

22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન બાદ પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારેના રોજ રામ લલ્લાના દર્શન કરવા રામ મંદિર પહોંચ્યા હતા. રામલલાની પૂજા કર્યા બાદ નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રોડ શો કર્યો હતો. પીએમ મોદીએ 14 મેના રોજ વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરવાના થોડા દિવસો પહેલા ભગવાન રામના દર્શન કર્યા હતા.

ચૂંટણી પ્રચારના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે નરેન્દ્ર મોદી રવિવારે ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા અને વડાપ્રધાનના સ્વાગત માટે અયોધ્યાને સંપૂર્ણ રીતે સજાવવામાં આવી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ગોલ્ડન કુર્તા-સફેદ પાયજામા અને ગોલ્ડન જેકેટ પહેર્યું હતું. વડાપ્રધાને ‘સાષ્ટાંગ દંડવત’માં ભગવાન રામ લલ્લાની મૂર્તિને પ્રણામ કર્યા અને પ્રાર્થના કરી. આ પછી, તેઓ બે કિલોમીટર લાંબા રોડ શો માટે નીકળ્યા, જ્યાં નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા માટે દરેક જગ્યાએ લોકો એકઠા થયા હતા.

અયોધ્યામાં પીએમ મોદીનો રોડ શો

આ રોડ શો સુગ્રીવ કિલ્લાથી શરૂ થઈને લતા ચોક ખાતે સમાપ્ત થશે. રોડ શો દરમિયાન વડાપ્રધાન મોદી સાથે સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર છે. રોડ શો દરમિયાન પીએમ મોદીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X હેન્ડલ પરથી ટ્વિટ કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, અયોધ્યાના લોકોનું હૃદય પણ ભગવાન શ્રી રામ જેટલું જ વિશાળ છે. રોડ શોને આશીર્વાદ આપવા આવેલા લોકોને શુભેચ્છાઓ!