વડાપ્રધાન મોદી ફેબ્રુઆરીમાં જઈ શકે છે અમેરિકાના પ્રવાસે!

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીમાં અમેરિકાની મુલાકાત લઈ શકે છે. આ માહિતી ખુદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે. તેમણે પોસ્ટ કરી હતી કે પીએમ મોદી ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસની મુલાકાત લઈ શકે છે. પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે આજે (સોમવારે) મેં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે લાંબી વાતચીત કરી. તેઓ આવતા મહિને, કદાચ ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસ આવી રહ્યા છે. ભારત સાથે અમારા સારા સંબંધો છે.તમને જણાવી દઈએ કે પી.એમ. મોદીએ અગાઉ 7 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા પછી તરત જ ટ્રમ્પ સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન, ટ્રમ્પે પીએમ મોદીની પ્રશંસા કરી, તેમને ‘અદ્ભુત વ્યક્તિ’ ગણાવ્યા અને કહ્યું કે ‘આખી દુનિયા તેમને પ્રેમ કરે છે’.ટ્રમ્પે કહ્યું હતું કે “ભારત એક અદ્ભુત દેશ છે અને હું, પીએમ મોદી અને ભારતને સાચા મિત્રો માનું છે.” તેમણે કહ્યું કે બંને નેતાઓ વિશ્વ શાંતિ માટે સાથે મળીને કામ કરવા સંમત થયા.

આ વાતચીત પછી, પી.એમ. મોદીએ પોસ્ટ કરીને કહ્યું કે મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરીને આનંદ થયો. બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા બદલ તેમને અભિનંદન. અમે પરસ્પર લાભદાયી અને લાંબા ગાળાની ભાગીદારી માટે પ્રતિબદ્ધ છીએ. આપણે આપણા લોકોના કલ્યાણ તેમજ વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે સાથે મળીને કામ કરીશું.