PM નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પ્રકાશના પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વીડિયો સંદેશ જાહેર કરીને તેમણે કહ્યું કે દિવાળીના પાવન પર્વ પર આખો દેશ રોશનીથી ઝગમગી રહ્યો છે. પ્રકાશનો આ તહેવાર અંધકાર સામે લડવાના આપણા સંકલ્પને દર્શાવે છે.

PM મોદીએ દેશવાસીઓને શુભેચ્છા આપતાં કહ્યું,”આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારો આ તહેવાર અને આવનારો સમય સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરેલો રહે તેવી મારી શુભેચ્છા.”
આ વખતે કોની સાથે દિવાળી મનાવશે PM મોદી?
પોતાના વીડિયો સંદેશમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે તેઓ પણ દેશવાસીઓની જેમ ખૂબ ઉત્સાહથી દિવાળી ઉજવે છે. દર વર્ષે દેશના વીર જવાનો વચ્ચે જઈને દિવાળીની ઉજવણી કરવી તેમની પરંપરા રહી છે અને આ વર્ષે પણ આ પરંપરા ચાલુ રહેશે. તેમણે દેશની સુરક્ષા માટે સરહદો પર તૈનાત સૈનિકોના યોગદાનને યાદ કરતાં સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી.
ઉપરાષ્ટ્રપતિ ભવનમાં PM મોદીએ કરી દિવાળીની ઉજવણી
દિવાળીના અવસર પર વડાપ્રધાન મોદીએ ઉપરાષ્ટ્રપતિ ભવનની મુલાકાત પણ લીધી હતી. અહીં તેમણે ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન સાથે દિવાળીની ઉજવણી કરી હતી.આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ ધાર્મિક વિધિ દરમિયાન વડાપ્રધાન મોદીના કપાળ પર તિલક કર્યું હતું.
View this post on Instagram
અયોધ્યામાં 30થી 33 લાખ દીવા પ્રગટાવવાનું લક્ષ્ય
બીજી તરફ, અયોધ્યામાં દીપોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે દીપોત્સવની 10મી વર્ષગાંઠ હોવાથી ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. આયોજકો દ્વારા અયોધ્યાના 56 ઘાટ પર દીવા પ્રગટાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. જેમાં રામ કી પૈડી અને સરયૂ નદીના કિનારા મુખ્ય આકર્ષણ રહ્યાં હતાં.
આ વખતે અંદાજે 30થી 33 લાખ માટીના દીવા પ્રગટાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર અયોધ્યાને દીવાઓની રોશનીથી શણગારવાની તૈયારીઓ કરવામાં આવી હતી.
દિવાળીના પર્વ નિમિત્તે દેશભરમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ પણ પ્રકાશ, સકારાત્મકતા, સુખ અને સમૃદ્ધિનો સંદેશ આપીને દેશવાસીઓને તહેવારની શુભેચ્છાઓ પાઠવી છે.






