વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુરુવારે સાંજે કેન્દ્રીય મંત્રીપરિષદની એક અત્યંત મહત્વની અને હાઈ-લેવલ બેઠક મળી હતી. આ મહાબેઠક આશરે 4.5 કલાક સુધી સતત ચાલી હતી, જેમાં દેશની પ્રગતિ સાથે જોડાયેલા અનેક મોટા અને નીતિગત મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મોદી સરકારના ત્રીજા કાર્યકાળના સફળતાપૂર્વક 2 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, તે પહેલાં યોજાયેલી આ બેઠકને સરકારના કામકાજના એક ‘મિડ-ટર્મ રિવ્યુ’ (મધ્યકાલીન સમીક્ષા) તરીકે જોવામાં આવી રહી છે. આ મહત્વપૂર્ણ બેઠક સાંજે 5 વાગ્યે ‘સેવા તીર્થ’ ખાતે શરૂ થઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકારના તમામ કેબિનેટ મંત્રીઓ, સ્વતંત્ર પ્રભાર ધરાવતા રાજ્યમંત્રીઓ અને તમામ કક્ષાના રાજ્યમંત્રીઓએ હાજરી આપી હતી. વર્તમાન વર્ષની આ પ્રથમ એવી સંપૂર્ણ કેબિનેટ બેઠક હતી જેમાં દેશની આર્થિક પ્રગતિ, મંત્રાલયોની સમીક્ષા અને ભવિષ્યની રણનીતિનો રોડમેપ તૈયાર કરાયો હતો.

9 મંત્રાલયોનું રિપોર્ટ કાર્ડ અને સુધારાનું નવું મોડલ
આ મેગા મંથન દરમિયાન દેશના 9 પ્રમુખ મંત્રાલયોએ પોતપોતાની કામગીરી અને ભવિષ્યના લક્ષ્યો અંગે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેમાં સૌથી પહેલા વાણિજ્ય (Commerce) મંત્રાલયે પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો. ત્યારપછી પેટ્રોલિયમ, ગૃહ મંત્રાલય, નાણાં મંત્રાલય અને વિદેશ મંત્રાલય જેવા ભારે-ભરખમ અને મહત્વના વિભાગોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.
તમામ મંત્રાલયોને અગાઉથી જ સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે તેઓ પોતાના વિભાગ દ્વારા કરવામાં આવેલા વહીવટી અને નીતિગત સુધારાઓને મુખ્યત્વે 4 ભાગોમાં વહેંચીને રજૂ કરે:
કાયદાકીય ફેરફારો (Changes in Law)
નિયમોમાં ફેરફારો (Changes in Rules)
નીતિગત ફેરફારો (Changes in Policy)
કામ કરવાની શૈલીમાં ફેરફારો (Changes in Work Culture)
આ સાથે જ પીએમ મોદીએ મંત્રીઓ પાસે એ પણ જાણ્યું હતું કે આ તમામ નીતિગત ફેરફારોની દેશની સામાન્ય જનતાના દૈનિક જીવન પર શું સકારાત્મક અને પ્રત્યક્ષ અસર પડી છે.
વિકસિત ભારત 2047 અને ‘ઈઝ ઓફ લિવિંગ’ પર વિશેષ ભાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક દરમિયાન તમામ મંત્રીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે તેઓ પોતાનું તમામ ધ્યાન વર્ષ 2047 ના લક્ષ્ય પર કેન્દ્રિત કરે. ભારતને આઝાદીના 100 વર્ષ પૂર્ણ થવા પર એટલે કે વર્ષ 2047 સુધીમાં એક સંપૂર્ણ ‘વિકસિત ભારત’ બનાવવાનો જે સંકલ્પ છે, તેને ધ્યાનમાં રાખીને જ દરેક યોજનાઓ ઘડાવી જોઈએ. પીએમ મોદીએ ‘ઈઝ ઓફ લિવિંગ’ (Ease of Living) એટલે કે સામાન્ય નાગરિકોનું જીવન વધુ સરળ અને સુલભ બનાવવા વાળા સુધારાઓ પર સૌથી વધુ ભાર મૂક્યો હતો. બેઠકમાં મોટી સરકારી યોજનાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ગતિ વધારવા તેમજ વિવિધ મંત્રાલયો વચ્ચે અરસપરસ ઉત્તમ તાલમેલ જાળવાઈ રહે તે માટે કડક આદેશો અપાયા હતા.
મિડલ ઈસ્ટ સંકટ અને ભારતીય અર્થતંત્ર પર તેની અસર
વર્તમાન સમયમાં પશ્ચિમ એશિયા એટલે કે મિડલ ઈસ્ટના દેશોમાં જે ભારે ભૌગોલિક-રાજકીય તણાવ ચાલી રહ્યો છે, તેની ભારતીય અર્થતંત્ર પર થનારી અસરો અંગે પણ બેઠકમાં ગંભીર ચર્ચા થઈ હતી. વડાપ્રધાને મંત્રીઓને નિર્દેશ આપ્યા છે કે આ વૈશ્વિક કટોકટીના કારણે ભારતના સામાન્ય નાગરિકો પર આર્થિક બોજ કે પરેશાની ઓછી થાય તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવે. આ માટે ખાસ કરીને એનર્જી (ઉર્જા ક્ષેત્ર), ખેતીવાડી, ખાતર, એવિએશન (ઉડ્ડયન), શિપિંગ અને લોજિસ્ટિક્સ જેવા સંવેદનશીલ સેક્ટરો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા કહેવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની આગેવાની હેઠળ મંત્રીઓનું એક શક્તિશાળી જૂથ પહેલેથી જ આ મિડલ ઈસ્ટ સંકટ પર સતત નજર રાખી રહ્યું છે. જોકે, રાજનાથ સિંહ હાલ દક્ષિણ કોરિયાના સત્તાવાર પ્રવાસે હોવાથી આ બેઠકમાં હાજર રહી શક્યા ન હતા. તેવી જ રીતે આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા પણ જિનેવા ખાતે હોવાથી આ બેઠકમાં ઉપસ્થિત નહોતા.


