ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત ગાલા ડિનરમાં સામેલ થયા વડાપ્રધાન

મનિલા (ફિલિપાઈન્સ): વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૪૯મી આસિયાન (ASEAN) સમિટ અને સંબંધિત શિખર સંમેલનોમાં ભાગ લેવા માટે પહોંચી ગયા છે. મનિલા પહોંચ્યા બાદ પીએમ મોદી ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર. માર્કોસ દ્વારા ફિલિપાઈન્સ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે વિશ્વના દિગ્ગજ નેતાઓના આગમન નિમિત્તે આયોજિત ભવ્ય ગાલા ડિનરમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ખાસ અવસરે પીએમ મોદી ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિની જેમ જ ત્યાંનો રાષ્ટ્રીય અને પરંપરાગત પોશાક ‘બારોંગ ટાગલોગ’ (Barong Tagalog) પહેરેલા જોવા મળ્યા હતા, જેને લઈને સૌનું ધ્યાન તેમના પર કેન્દ્રિત થયું હતું.આ અગાઉ મનિલા એરપોર્ટ પર આગમન સમયે વડાપ્રધાન મોદીએ ભારતીય પ્રવાસીઓ (ડાયસ્પોરા) સાથે ઉષ્માભેર મુલાકાત કરી હતી અને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારબાદ તેમણે ફિલિપાઈન્સની સાંસ્કૃતિક સંસ્થા દ્વારા આયોજિત રામાયણની વિશેષ થિયેટ્રિકલ પ્રસ્તુતિ ‘સીતા: ધ રામાયણ રિવાઈઝ્ડ’ નિહાળી હતી, જે ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયા વચ્ચેના પ્રાચીન સાંસ્કૃતિક અને સભ્યતાગત સંબંધોને ઉજાગર કરે છે.

આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ૨૩મી આસિયાન-ભારત સમિટ અને ૨૧મી પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેશે. આ શિખર સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા, નૌકાદળ વચ્ચે પરસ્પર સહયોગ વધારવા, આર્થિક ભાગીદારી મજબૂત કરવા અને વૈશ્વિક ભૂ-રાજકીય પડકારો પર ચર્ચા કરવાનો છે. આ બેઠકોમાં ચીન, ઓસ્ટ્રેલિયા, જાપાન, યુનાઇટેડ સ્ટેટ્સ સહિતના અનેક વૈશ્વિક નેતાઓ પણ ભાગ લઈ રહ્યા છે.