ચીનનું ઇલેક્ટ્રિક એવિએશન ક્ષેત્રે મોટું મંડાણ : ૧૯-સીટર પેસેન્જર વિમાનનું સફળ પરીક્ષણ

બેઇજિંગ: ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં વૈશ્વિક સ્તરે આગવું સ્થાન ધરાવતા ચીને હવે ઉડ્ડયન ક્ષેત્રે પણ એક મોટું કદમિલક પૂરું કર્યું છે. ચીને તેના પ્રથમ ૧૯-સીટર બેટરી-સંચાલિત ઇલેક્ટ્રિક પેસેન્જર વિમાન ‘CE-25A’નું સફળતાપૂર્વક પ્રથમ પાયલોટેડ (માનવસહિત) ઉડ્ડયન પરીક્ષણ પૂર્ણ કર્યું છે. આ સફળતા સાથે જ પ્રાદેશિક મુસાફરી માટે ઇલેક્ટ્રિક વિમાનોનો ઉપયોગ કરવા તરફનું સ્વપ્ન હવે વધુ વાસ્તવિક બનતું જણાઈ રહ્યું છે.

શાંડોંગ પ્રાંતમાં હાથ ધરવામાં આવેલા આ પરીક્ષણ દરમિયાન ૧૦ ટન વજન ધરાવતા આ વિમાને બે પાયલોટ અને એક ફ્લાઇટ-ટેસ્ટ ઇજનેર સાથે સફળ ઉડ્ડયન કર્યું હતું. શિન્હુઆ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, આ વિમાને અંદાજે ૧૬ મિનિટથી વધુ સમય સુધી હવામાં રહીને ૬૦.૪ કિલોમીટરનું અંતર કાપ્યું હતું અને તેના તમામ પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ અપેક્ષાઓ મુજબ સામાન્ય રહ્યા હતા. CE-25A વિમાન ૧૯ મુસાફરોને લઈને આશરે ૪૦0 કિલોમીટર સુધીનું અંતર કાપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેનો ક્રૂઝિંગ સ્પીડ 300 કિમી પ્રતિ કલાક છે.

આ વિમાન પરંપરાગત ફ્યુઅલ એન્જિનને બદલે પાંખો પર ગોઠવાયેલા બહુવિધ ડક્ટ્ડ ફેન્સ અને બેટરી સિસ્ટમ દ્વારા સંચાલિત ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમનો ઉપયોગ કરે છે. કોમેક (COMAC), બેટરી નિર્માતા કેટલ (CATL) અને શાંઘાઈ જિયાઓ ટોંગ યુનિવર્સિટીના સંયુક્ત સહયોગથી આ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. જોકે, વ્યાપારી ધોરણે મુસાફરો માટે આ વિમાનની સેવા શરૂ થવામાં હજુ સમય લાગશે કારણ કે સિવિલ એવિએશન એડમિનિસ્ટ્રેશન ઓફ ચાઇના (CAAC) દ્વારા તેના પ્રમાણપત્રની પ્રક્રિયા હાલ શરૂ કરવામાં આવી છે.