કતારના અમીરનું સ્વાગત કરવા માટે PM મોદી એરપોર્ટ પહોંચ્યા

PM મોદી સોમવારે કતારના અમીર શેખ તમિમ બિન હમાદ અલ-થાનીનું સ્વાગત કરવા માટે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર વ્યક્તિગત રીતે પહોંચ્યા હતા. કતારના અમીર 17 અને 18 ફેબ્રુઆરીએ ભારત મુલાકાતે છે. આ દરમિયાન તેઓ પીએમ મોદી સાથે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયે શનિવારે તેમની મુલાકાત અંગે માહિતી આપી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, તેમની મુલાકાત આપણી વધતી જતી બહુપક્ષીય ભાગીદારીને વધુ વેગ આપશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ભારત આવશે, જેમાં મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને એક વ્યાપારી પ્રતિનિધિમંડળનો સમાવેશ થશે.

કતારના અમીર બે દિવસની ભારત મુલાકાતે

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, કતારના અમીર શેખ તમિમ બિન હમદ અલ-થાની 17-18 ફેબ્રુઆરી 2025 ના રોજ ભારતની રાજ્ય મુલાકાત લેશે. કતારના અમીરની આ ભારતની બીજી રાજકીય મુલાકાત હશે. આ પહેલા તેઓ માર્ચ 2015માં ભારતની મુલાકાતે આવ્યા હતા.

રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કાર્યક્રમ યોજાશે

વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કતારના અમીરનું 18 ફેબ્રુઆરી 2025ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. તેમની મુલાકાત દરમિયાન કતારના અમીર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે ચર્ચા કરશે, જે તેમના માનમાં ભોજન સમારંભનું પણ આયોજન કરશે. આમિર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર વાતચીત કરશે.

ભારત-કતારના સંબંધો ઘણા જૂના

ભારત અને કતાર વચ્ચે મિત્રતા, વિશ્વાસ અને પરસ્પર આદરના ઊંડા ઐતિહાસિક સંબંધો છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં, બંને દેશો વચ્ચેના સંબંધો સતત મજબૂત થયા છે, જેમાં વેપાર, રોકાણ, ઊર્જા, ટેકનોલોજી, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે કતારમાં રહેતો ભારતીય સમુદાય કતારનો સૌથી મોટો વિદેશી સમુદાય છે.