આઈપીએલ 2026 ની 35 મી મેચમાં પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સ સામે 265 રનનો લક્ષ્યાંક હાંસલ કરીને ઈતિહાસ રચ્યો છે. દિલ્હી તરફથી કેએલ રાહુલે 152 અને નીતીશ રાણાએ 91 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ તરફથી પ્રભસિમરન સિંઘના 76 રન અને શ્રેયસ અય્યરના અણનમ 71 રનની મદદથી ટીમે 19 ઓવરમાં જ જીત મેળવી લીધી હતી. આ જીત સાથે પંજાબની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર અજેય રહી છે.

દિલ્હીના હોમ ગ્રાઉન્ડ પર ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત મિશ્ર રહી હતી. ઓપનર પથુમ નિસાંકા માત્ર 11 રન બનાવી આઉટ થઈ ગયો હતો, પરંતુ ત્યારબાદ કેએલ રાહુલ અને નીતીશ રાણાએ પંજાબના બોલરોની જે રીતે ધુલાઈ કરી તે જોઈને સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. આ બંને બેટ્સમેનો વચ્ચે બીજી વિકેટ માટે માત્ર 95 બોલમાં 220 રનની તોફાની ભાગીદારી થઈ હતી. નીતીશ રાણાએ 44 બોલમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 91 રન ફટકાર્યા હતા. બીજી તરફ કેએલ રાહુલ એક છેડો સાચવીને રનનો વરસાદ કરી રહ્યો હતો. તેણે માત્ર 47 બોલમાં પોતાની સદી પૂરી કરી અને 67 બોલમાં અણનમ 152 રન બનાવીને દિલ્હીનો સ્કોર 264/2 સુધી પહોંચાડ્યો હતો.
265 રનના અત્યંત મુશ્કેલ અને અશક્ય લાગતા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત કોઈ વાવાઝોડાથી ઓછી નહોતી. પ્રિયાંશ આર્યા અને પ્રભસિમરન સિંઘે શરૂઆતથી જ દિલ્હીના બોલરો પર પ્રહાર કરવાનું શરૂ કર્યું હતું. આ જોડીએ માત્ર 7 ઓવરમાં ટીમનો સ્કોર 126 રન સુધી પહોંચાડી દીધો હતો. પ્રિયાંશ આર્યાએ માત્ર 17 બોલમાં 43 રન ફટકારી આક્રમક પાયો નાખ્યો હતો. જ્યારે પ્રભસિમરન સિંઘે માત્ર 26 બોલમાં 76 રનની ઇનિંગ રમી જેમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા. જોકે, મધ્ય ઓવરોમાં આ બંને ઓપનરો આઉટ થતા દિલ્હીએ મેચમાં વાપસી કરવાની આશા વ્યક્ત કરી હતી.
ઓપનરો ગયા બાદ નેહાલ વઢેરા અને શ્રેયસ અય્યરે બાજી સંભાળી હતી. આ બંને વચ્ચે 56 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. નેહાલ 15 બોલમાં 25 રન બનાવી 15 મી ઓવરમાં આઉટ થયો હતો, પરંતુ કેપ્ટન શ્રેયસ અય્યરે એક છેડેથી આક્રમણ ચાલુ રાખ્યું હતું. અય્યરે માત્ર 36 બોલમાં અણનમ 71 રન બનાવ્યા, જેમાં તેણે 7 આકાશચુંબી છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. શ્રેયસ અય્યરની આ જવાબદારીભરી બેટિંગને કારણે પંજાબે 19 ઓવરમાં જ 268/4 રન બનાવીને 7 બોલ બાકી રહેતા આ ઐતિહાસિક વિજય હાંસલ કર્યો હતો.
આ જીત સાથે પંજાબ કિંગ્સે સાબિત કરી દીધું છે કે કેમ તેઓ આ સિઝનમાં અજેય છે. આઈપીએલના ઈતિહાસમાં આ સૌથી મોટો રન ચેઝ છે, જેણે અગાઉના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. દિલ્હી માટે કેએલ રાહુલની 152 રનની ઐતિહાસિક ઇનિંગ પણ ટીમને જીત અપાવવા માટે પૂરતી નહોતી, જે દિલ્હીના બોલિંગ વિભાગની નબળાઈ દર્શાવે છે. પંજાબ અત્યારે પોઈન્ટ ટેબલમાં સૌથી ઉપર છે અને તેમનો આ આત્મવિશ્વાસ આગામી મેચોમાં અન્ય ટીમો માટે ખતરાની ઘંટડી સમાન છે.




