મુંબઈ: મુંબઈ બોટ દુર્ઘટનામાં બચી ગયેલા 45 વર્ષીય ગણેશ કહે છે કે જ્યારે તેણે એક સ્પીડ બોટ જેવી બોટને તે બોટ તરફ જતી જોઈ જેના ડેક પર તે ઊભો હતો ત્યારે તેના મનમાં વિચાર આવ્યો કે કંઈક અનિચ્છનીય બનાવ બની શકે છે. બુધવારે બપોરે મુંબઈ કિનારે એક યાટ સાથે નેવીની સ્પીડ બોટ અથડાતાં ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા હતા જ્યારે 99 અન્યને બચાવી લેવામાં આવ્યા હતા.
ગણેશે કહ્યું, ‘બોટ, જે પાછળથી નૌકાદળની બોટ હોવાનું બહાર આવ્યું, તે અરબી સમુદ્રમાં ચક્કર લગાવી રહી હતી, જ્યારે અમારી બોટ મુંબઈ નજીકના લોકપ્રિય પર્યટન સ્થળ એલિફન્ટા ટાપુ તરફ જઈ રહી હતી. હું બપોરે 3.30 વાગ્યે બોટમાં ચડ્યો.’ તેણે કહ્યું,’એક ક્ષણ માટે મારા મગજમાં એવો વિચાર આવ્યો કે નૌકાદળની બોટ અમારી બોટ સાથે અથડાઈ શકે છે, અને પછીની થોડીક સેકન્ડોમાં તે બન્યું’ ગણેશે કહ્યું કે દુર્ઘટના સમયે દુર્ભાગ્યપૂર્ણ નીલ કમલ બોટના ડેક પર તે ઊભો હતો.
આ અકસ્માત બાદ જે 99 લોકોને બચાવી લેવામાં આવ્યા છે તેમાં હૈદરાબાદનો રહેવાસી ગણેશ પણ સામેલ છે. તેમણે કહ્યું કે બોટમાં બાળકો સહિત 100થી વધુ મુસાફરો હતા. તેણે કહ્યું,3.30 વાગ્યે ટિકિટ ખરીદ્યા પછી, હું બોટમાં ચડ્યો અને ડેક પર ગયો. મેં જોયું કે સ્પીડ બોટ જેવું જહાજ અમારી બોટની નજીક પૂરપાટ ઝડપે ચક્કર લગાવી રહ્યું હતું. તેણે જણાવ્યું કે બોટમાં મુસાફરી કરી રહેલા એક નૌકાદળના કર્મચારીનું અકસ્માતમાં પગ કપાઈ જવાને કારણે મૃત્યુ થયું હતું.
ટક્કર બાદ બોટમાં પાણી ભરાવા લાગ્યું
તેણે ઉમેર્યુ કે, ‘જેમ કે બોટ અમારી બોટ સાથે અથડાઈ કે તરત જ દરિયાનું પાણી અમારી બોટમાં આવવાનું શરૂ થઈ ગયું, ત્યારબાદ બોટના કેપ્ટને મુસાફરોને લાઈફ જેકેટ પહેરવા કહ્યું કારણ કે બોટ પલટી જવાની હતી.’ ગણેશે કહ્યું, ‘મેં લાઈફ લ જેકેટ લીધુ, ઉપર ગયો અને સમુદ્રમાં કૂદી ગયો.’ તેણે કહ્યું કે તે 15 મિનિટ સુધી તર્યો જ્યારે તેને નજીકની અન્ય બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યો અને અન્ય લોકો સાથે ગેટવે ઓફ ઈન્ડિયા પર લાવવામાં આવ્યો. તેમણે કહ્યું કે નેવી, કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસની બચાવ ટુકડીઓ અથડામણના અડધા કલાકની અંદર બોટ પર પહોંચી ગઈ હતી. હું બચાવી લેવામાં આવેલા 10 મુસાફરોના પ્રથમ જૂથમાં હતો, એવું તેણે કહ્યું હતું.
બેંગલુરુના રહેવાસી વિનાયક માથમ પણ દુર્ઘટનામાં બચી ગયેલા ભાગ્યશાળીઓમાં સામેલ હતા. તેમણે જણાવ્યું કે તે તેના બે સાથીદારો સાથે દુર્ભાગ્યપૂર્ણ બોટમાં સવાર હતો. તેણે કહ્યું, “પ્રથમ તો મને લાગ્યું કે નેવી ક્રાફ્ટના કર્મચારીઓ આનંદ માટે બહાર ગયા છે, કારણ કે તેમની બોટ અમારી બોટની આસપાસ ફરતી હતી. બોટ પર પૂરતા લાઇફ જેકેટ્સ નહોતા.” તેમણે કહ્યું, “જ્યારે મુસાફરો બોટમાં ચડ્યા હતા, ત્યારે તેમને લાઇફ જેકેટ્સ આપવા જોઇએ.”