પાલનપુરમાં આરટીઓ સર્કલ નજીક રેલવે ઓવરબ્રિજના ગડર પડવાની ગોઝારી ઘટનામાં બે યુવકોના મોત નિપજતા હાહાકાર મચી જવા પામ્યો હતો. આ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાત્કાલીક તપાસના આદેશ આપ્યા બાદ એક ટીમ રચવામાં આવી હતી જેના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે જો કે તે પહેલાં બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પુલ બનાવતી કંપની બ્લેકલિસ્ટ કરી છે તેમજ 2 અધિકારી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તપાસ ટીમે તાત્કાલીક સ્થળની મુલાકાત લીધી
મળતી માહિતી મુજબ, પાલનપુર આર.ટી.ઓ. સર્કલ પાસે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજના ગર્ડર પડી જવાની ઘટના અન્વયે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અનુસાર ત્રણ સભ્યોની કમિટી નિમવામાં આવી હતી. આ કમિટીના સભ્યોએ બનાવના દિવસે જ સાંજે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. તદઉપરાંત, માર્ગ અને મકાન વિભાગના ક્વોલિટી કન્ટ્રોલના મુખ્ય ઈજનેર અને અધિક સચિવે પણ સ્થળની મુલાકાત લીધી હતી.
સ્થળ ઉપરથી જરૂરી નમૂના લીધા હતા
કોંન્ક્રીટના સેમ્પલ, સ્ટીલના સેમ્પલ, ડિઝાઈન, નકશાઓ વગેરે એકત્રિત કરીને સ્થળ પર પડેલી ગર્ડરનું અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. આ સેમ્પલનાં પરીક્ષણ પરિણામો ટૂંક સમયમાં અપેક્ષિત છે. તે આવ્યા બાદ સમિતિ ઘટનાનાં વિગતવાર તારણો પર આવી શકશે. પરંતુ, જે દુર્ઘટના બની છે, તેના પ્રાથમિક અહેવાલમાં જણાયું છે કે નિર્માણાધીન બાંધકામ વિસ્તારમાં બેરિકેડિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ વગેરેનું ધ્યાન રાખવામાં આવ્યું હોત તો આ કમનસીબ ઘટના નિવારી શકાઈ હોત.
મુખ્યમંત્રીએ આપ્યા હતા કડક કાર્યવાહીના આદેશ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ સમગ્ર વિગતોની ગંભીરતા પૂર્વક નોંધ લઈને ઘટના સંદર્ભમાં દોષિતો સામે કડક કાર્યવાહી માટેના આ પ્રમાણેના નિર્ણયો કર્યા છે. તદઅનુસાર, આ આર.ઓ.બી.ના કામના કોન્ટ્રાક્ટર જી.પી.સી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ પાલનપુરને બ્લેકલિસ્ટ કરવા માટેની જરૂરી કાર્યવાહી તત્કાલ હાથ ધરવા માર્ગ અને મકાન વિભાગને સૂચનાઓ આપી છે. તે જ રીતે, આ કામના કન્સલ્ટન્ટ મેક્વે મેનેજમેન્ટ લિમિટેડને ડી-બાર કરવા માટે પણ તેમણે આદેશ આપ્યા છે. આ આર.ઓ.બી.ની કામગીરી અંગે સંબંધિત મદદનીશ ઈજનેર અને નાયબ કાર્યપાલક ઈજનેરને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી હેઠળ મૂકવાના આદેશો કરવાની સૂચના આપી છે.