નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના સભ્યોએ સોમવારે અનૌપચારિક બંધ દરવાજાની બેઠક દરમિયાન પાકિસ્તાન સામે અનેક ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે 15 દેશોની સુરક્ષા પરિષદે વિચારવિમર્શ કર્યો હતો. આ બેઠકમાં પહેલગામ આતંકવાદી હુમલાના મુદ્દા પર પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી.
પાકિસ્તાનના વિનંતી પર આયોજિત “બંધ પરામર્શ” પછી સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ કોઈ જાહેર નિવેદન આપ્યું ન હતું. પાકિસ્તાન પરિષદનો અસ્થાયી સભ્ય છે અને મે મહિના માટે અધ્યક્ષપદ ગ્રીસ પાસે છે. સભ્યોએ પાકિસ્તાન દ્વારા રજૂ કરાયેલા “ફોલ્સ ફ્લેગ”ના દાવાને સ્વીકારવાનો ઇનકાર કર્યો અને સવાલ કર્યો હતો કે શું આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા, જે પાકિસ્તાન સાથે ઘનિષ્ટ સંબંધ ધરાવે છે, આ હુમલામાં સંડોવાયેલું છે?
આ આતંકવાદી હુમલાની વ્યાપક નિંદા કરવામાં આવી હતી અને જવાબદારી નક્કી કરવાની જરૂરિયાત પર ભાર મુકાયો હતો. કેટલાક સભ્યોએ ખાસ કરીને ધર્મના આધાર પર ટાર્ગેટ કરાયેલા પર્યટકોના મુદ્દાને પણ ઉઠાવ્યો હતો. આ બેઠકમાં ઘણા સભ્યોએ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા મિસાઇલ પરીક્ષણો અને પરમાણુ ધમકીઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી, જેને ટેન્શન વધારતા ઘટક તરીકે જોવામાં આવ્યું હતું. આમ પાકિસ્તાન દ્વારા મુદ્દાઓને આંતરરાષ્ટ્રીય બનાવવાનો પ્રયાસ પણ નિષ્ફળ ગયો હતો. તેને સલાહ આપવામાં આવી કે તેઓ ભારત સાથે દ્વિપક્ષી રીતે સમસ્યાઓનો ઉકેલ લાવે.
બીજી બાજુ, ચિનાબ નદીમાં પાણીનો પ્રવાહ રવિવારે 35,000 ક્યુસેક હતો, જે સોમવારે સવારે લગભગ 3100 ક્યુસેક પર આવી ગયું હતું. ચિનાબ નદી પાકિસ્તાનની સિંચાઈ વ્યવસ્થા માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તેની નહેરો (યુસીસી અને બીઆરબી નેહર સહિત) પંજાબની ખેતીલાયક જમીનને સિંચાઈ પૂરી પાડે છે.
પહેલગામ હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી અને પાણીની અછતને તેના સંભવિત પરિણામ તરીકે જોવામાં આવી રહી છે. બીજી બાજુ જર્મન વિમાની કંપની લુફ્થાનસા એરલાઈન્સે સોમવારે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી પોતાનું ઓપરેશન બંધ કરી દીધું હતું, જે પાકિસ્તાન માટે વધુ એક ઝટકો હતો.
