નરસંહારને ઓપરેશન બતાવી રહ્યું છે પાકિસ્તાનઃ ભારતે કરી નિંદા

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં હોસ્પિટલ પર થયેલા પાકિસ્તાનના હુમલાની ભારતે આકરા શબ્દોમાં નિંદા કરી છે. ભારતે આ કૃત્યને અમાનવીય હિંસા ગણાવ્યું છે. 16 માર્ચની રાત્રે કાબુલમાં એક હોસ્પિટલ પર પાકિસ્તાન દ્વારા એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ હુમલામાં અંદાજે 400 લોકોનાં મોત થયાં હતાં. ભારતે આ ઘટનાને કાયરતાપૂર્ણ અને અમાનવીય ગણાવીને જણાવ્યું હતું કે આને કોઈ પણ રીતે સૈન્ય કાર્યવાહી કહી શકાય નહીં. પાકિસ્તાન આ નરસંહારને “ઓપરેશન” તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ભારતના વિદેશ મંત્રાલયે આ હુમલા અંગે સત્તાવાર નિવેદન જારી કર્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત 16 માર્ચની રાત્રે કાબુલમાં ઓમિદ એડિક્શન ટ્રીટમેન્ટ હોસ્પિટલ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા બર્બર હવાઈ હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરે છે. આ કાયરતાપૂર્ણ અને અત્યંત નિંદનીય હિંસક કૃત્ય છે, જેમાં મોટી સંખ્યામાં નિર્દોષ નાગરિકોના જીવ ગયા છે. આ સ્થળને કોઈ પણ રીતે સૈન્ય લક્ષ્ય ગણાવી શકાય નહીં. પાકિસ્તાન હવે આ નરસંહારને સૈન્ય કાર્યવાહી તરીકે દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું કે આ હુમલો પવિત્ર રમજાન મહિનામાં થયો છે—જે વિશ્વભરના મુસ્લિમો માટે શાંતિ, આત્મચિંતન અને કરુણાનો સમય છે—તેથી આ કૃત્ય વધુ નિંદનીય બની જાય છે. કોઈ પણ ધર્મ, કાયદો કે નૈતિકતા હોસ્પિટલ અને તેના દર્દીઓને જાણબૂજીને નિશાન બનાવવાનું સમર્થન નથી કરતી. આંતરરાષ્ટ્રીય સમુદાયે આ ગુનાહિત કૃત્યના દોષિતોને જવાબદાર ઠેરવવા જોઈએ અને પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં નાગરિકોને નિશાન બનાવવાની આવી ઘટનાઓ તરત બંધ થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ.

અફઘાનિસ્તાન પ્રત્યે સમર્થન વ્યક્ત કરતાં ભારતે કહ્યું હતું કે ભારત શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે, ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરે છે અને આ દુઃખદ સમયે અફઘાનિસ્તાનના લોકો સાથે એકતા દર્શાવે છે. એ સાથે જ ભારત અફઘાનિસ્તાનની સર્વભૌમતા અને પ્રાદેશિક અખંડિતતા પ્રત્યે પોતાના અડગ સમર્થનને પુનરાવર્તિત કરે છે.