પાક-અફઘાન યુદ્ધ: તાલિબાનનો રાવલપિંડીના નૂર ખાન એરબેસ પર ડ્રોન હુમલો

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદ પાર વધતાં તણાવ વચ્ચે ઇસ્લામિક અમીરાતના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે તેણે રાવલપિંડીના નૂર ખાન એરબેસ સહિત પાકિસ્તાનના મહત્વપૂર્ણ સૈનિક ઠેકાણાંઓ પર હવાઈ હુમલા કર્યા છે. આ કાર્યવાહી અફઘાન વિસ્તારમાં પાકિસ્તાની હવાઈ હુમલાના જવાબરૂપે કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.

મંત્રાલયે ‘X’ પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે અફઘાન વાયુસેનાએ પાકિસ્તાનનાં મહત્વપૂર્ણ સૈનિક ઠેકાણાઓને નિશાન બનાવતાં અસરકારક હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલામાં રાવલપિંડીનો નૂર ખાન એરબેસ, બલૂચિસ્તાનના ક્વેટામાં આવેલી 12મી બ્રિગેડનો બેસ, ખૈબર પખ્તૂનખ્વાના મોહમ્મદ એજન્સીમાં આવેલ ખોઇઝાઈ કેમ્પ તેમ જ અન્ય સૈનિક સ્થળોનો સમાવેશ થાય છે, જ્યાં મહત્વપૂર્ણ સૈનિક સુવિધાઓ અને કેન્દ્રો સ્થિત છે.

આ હુમલામાં રાવલપિંડીનો નૂર ખાન બેસ, ક્વેટામાં 12મી બ્રિગેડ બેસ, મોહમ્મદ એજન્સીમાં ખોઇઝાઈ કેમ્પ તથા અન્ય કેટલાંક સૈનિક સ્થળો સામેલ છે. આ હુમલાઓથી આ ઠેકાણાંઓને ભારે નુકસાન પહોંચ્યું છે.

રાવલપિંડીના ચકલા વિસ્તારમાં આવેલ નૂર ખાન એરબેસને ગયા વર્ષે મે મહિનામાં ભારત દ્વારા પાકિસ્તાનનાં મુખ્ય સૈનિક ઠેકાણાંઓ પર કરવામાં આવેલા સંકલિત હુમલાઓ બાદ પણ ભારે નુકસાન થયું હતું. આ હુમલા “ઓપરેશન સિંદૂર” હેઠળ ભારતીય સશસ્ત્ર દળોની જવાબી કાર્યવાહી તરીકે કરવામાં આવ્યા હતા.

મેક્સર ટેક્નોલોજીઝ દ્વારા 13 મેના રોજ લેવામાં આવેલી ઉપગ્રહ તસવીરોમાં પાકિસ્તાનના નૂર ખાન એરબેસ સહિત અનેક હવાઈ મથકોને ભારે નુકસાન થયેલું દેખાયું હતું. એ દરમિયાન અફઘાન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ અભિયાન પાકિસ્તાની સેનાએ “ગઈ રાતે અને આજે” કાબુલ, બાગરામ અને અન્ય વિસ્તારો પર કરેલા હવાઈ હુમલાના જવાબમાં શરૂ કરવામાં આવ્યું હતું.

પ્રાથમિક માહિતી મુજબ આ હુમલાઓના પરિણામે દર્શાવેલાં લક્ષ્યોને નોંધપાત્ર નુકસાન થયું છે. મંત્રાલયે જણાવ્યું હતું કે અફઘાન હવાઈ ક્ષેત્રનું કોઈ પણ ઉલ્લંઘન અથવા “પાકિસ્તાનમાં દૂષિત તત્વો દ્વારા અપમાનજનક કાર્યવાહી”નો આકરો જવાબ આપવામાં આવશે. તાજેતરના સરહદ પાર હુમલાઓની ખબરોથી બંને પડોશી દેશો વચ્ચેનો તણાવ ઝડપથી વધી રહ્યો છે.