ગુજરાતમાં પી. ચિદમ્બરમ સરકાર પર વરસી પડ્યા, કર્યા આકરા પ્રહાર

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે હવે કોંગ્રેસ પણ રહી રહીને મેદાનમાં ઉતરી છે. આજે કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી, પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમજીનો ગુજરાતના વેપારીઓ, ડોક્ટરો, શિક્ષણવીદો, વકિલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો, મહિલાઓ અને નાગરિકો સાથે પરિસંવાદ કર્યો હતો. ચિદમ્બરમજીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ સૌને સાથે રાખવાની વિચારધારા સાથે ચાલનારો પક્ષ છે. ગુજરાતના મતદાતાઓ આ વખતે પરિવર્તન માટે મતદાન કરીને કોંગ્રેસની સરકાર બનાવે. કોંગ્રેસ સરકાર બનતાની સાથે રાહુલ ગાંધીએ આપેલા દરેક વચનો નિભાવવા કોંગ્રેસ પક્ષ કટીબદ્ધ છે. આ પરિસંવાદ કાર્યક્રમમાં રાજ્યના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિવિધ મુદ્દાઓ પર સરકારને ઘેરી

અમદાવાદમાં આજે કોંગ્રેસના નેતાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં મોરબી દુર્ઘટના, મોંઘવારી, બેરોજગારી સહિતના અનેક મુદ્દાઓ પર સરકારને આડેહાથ સીધી હતી. મોરબી પુલ હોનારત મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે ભાજપ પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ કે, મોરબી બ્રિજ પડવાની ઘટનાએ ગુજરાતના નામને શર્મસાર કર્યુ છે. તેમ છતા આ સરકાર તરફથી કોઈએ હજુ સુધી માફી માંગી નથી. કે નથી કોઈએ આ ઘટનાની જવાબદારી સ્વિકારી રાજીનામું આપ્યું. પી. ચિદમ્બરમે કહ્યુ મારી રવિવારે કોલમ લખાઈ જેનું નામ “ના માફી, ના રાજીનામું” છે. આ કોલમમાં સાત પ્રશ્નો ઉઠાવ્યા છે. હું આશા રાખુ છુ કે હાઈકોર્ટ મુદ્દા ઉઠાવે.

ગુજરાતમાં સરેરાશ વેતન દર દેશમાં સૌથી નીચો

પી. ચિદમ્બરમે કહ્યુ કે મારી ગુજરાતની જનતાને અપીલ છે કે ‘સરકાર બદલવા માટે મત આપો. અહીં અશિક્ષિત યુવાનો અને ઓછું ભણેલા યુવાનો બેરોજગાર છે. ગુજરાતમાં સરેરાશ વેતન દર દેશમાં સૌથી નીચો છે. CMIEના ડેટા અનુસાર ગુજરાતમાં 20-24 વર્ષની વયના યુવાનોમાં બેરોજગારીનો દર 12.49 ટકા છે. તો સાથે સાથે કોંગ્રેસ નેતાએ ભાજપ સરકાર અને ચૂંટણી પંચ  સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, ચૂંટણીપંચ ભાજપને સમર્થન કરી રહ્યું છે. ભાજપના ઇશારે તે કામ કરી રહ્યું છે. એટલા માટે જ હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી જાહેરાત અલગ અલગ કરવામાં આવી છે. કેમ હિમાચલ સાથે જ ગુજરાતની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં ન આવી ?

ગુજરાતમાં મોંઘવારીએ હાહાકાર મચાવ્યો

પી ચિદમ્બરમે જણાવ્યું હતું કે હાલમાં ગુજરાત મોંઘવારીની આગમાં બળી રહ્યું છે. જેના પગલે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. દેશમાં મંદી નહીં આવે, પણ વિકાસ ધીમો પડશે. બહારથી આવનારાં રોકાણો ઘટશે. રૂપિયાના અવમૂલ્યનને કારણે વપરાશ ઘટશે. માત્ર પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ આ મુદ્દે દેશને બચાવી શકશે. હવે સરકાર આમાં શું કરે છે એ જોવાનું છે. પી. ચિદમ્બરમે પીએમ મોદી પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું, ગુજરાતની સરકાર ત્યાંના મુખ્યમંત્રી દ્વારા નહીં પરંતુ દિલ્હીથી સંભાળવામાં આવે છે. તો બીજી તરફ પી.ચિદમ્બરમે આમ આદમી પાર્ટી ઉપર પણ આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું, જો તમે દિલ્હીમાં હવાની ગુણવત્તા પર વિશ્વાસ કરો છો તો ગુજરાતમાં અરવિંદ કેજરીવાલને વોટ આપશો નહીં.