મુંબઈ: વાર્તાલેખન મંડળી કાર્યક્રમમાં સર્જકોને મૂંઝવતા પ્રશ્નોની કરાઈ ચર્ચા

મુંબઈ: ગુજરાતી સાહિત્ય પરિષદ-અમદાવાદ, ‘લેખિની’-મુંબઈ અને બીસીસીએ- અંધેરીનાં સહિયોગથી અંધેરી ભવન્સ કૉલેજ ખાતે ‘વાર્તાલેખન મંડળી’નું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસનાં આ કાર્યક્રમમાં ટૂંકીવાર્તા લખતાં સર્જકો અને ગુજરાતી સાહિત્યના સમર્થ સર્જકોની ગોઠડી જામી હતી. ટૂંકીવાર્તાના સાહિત્ય સ્વરૂપલક્ષી અને સર્જકોના પ્રશ્નોની ચર્ચા કરવાના હેતુથી કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદી, મહામંત્રી સમીર ભટ્ટ, માર્ગદર્શક અને વક્તા તરીકે બિંદુ ભટ્ટ, મહેન્દ્રસિંહ પરમાર, વર્ષા અડાલજા અને ઈલા આરબ મહેતા હાજર રહ્યા હતા. ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી સેજલ શાહ, લેખિની સંસ્થાના પ્રમુખ પ્રીતિ જરીવાલા, બીસીસીએના લલિત શાહે કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

આ તકે લેખિનીના પ્રમુખ પ્રીતિ જરીવાલાએ જણાવ્યું કે ‘મુંબઈની સ્પીરીટ હંમેશા નવ-વિચાર પ્રત્યે ઉમળકાભરી રહી છે, શીખવા, જાણવાની તત્પરતાને કારણે આવા કાર્યક્રમો સફળ થાય છે. મુંબઈના અને ગુજરાતના ઉત્તમ સર્જકો આ રીતે ભેગા થાય ત્યારે જે વિદ્યાકીય પ્રાપ્તિ થવાની છે તેનો સહુના મનમાં ખૂબ આનંદ છે અને આશા છે કે કલાકીય રસમીમાંસા પ્રત્યેનો દૃષ્ટોકોણ સ્પષ્ટ થશે.’ ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી સેજલ શાહે જણાવ્યું હતું કે ‘જે સાહિત્ય સ્વરૂપ બહુ સહજ લાગે અને બધાને જ એમ થાય કે વાર્તા તો લખી જ શકાય પણ ત્યારે આ વાર્તા કેવી સરી જતી હોય છે તે અંગેની સ્વરૂપ સભાનતા માટે આ મંડળી અને ગોઠડી જરૂરી છે’.

પરિષદના મહામંત્રી સમીર ભટ્ટે એક પંક્તિ ‘કેવું પરોઢ ઉઘડે, શિશુનું બગાસું!’થી શરૂઆત કરતા કહ્યું કે આજે આ ક્ષણે ત્રણેય સંસ્થાઓ એક સંસ્થા બની એકબીજામાં ઓગળી રહી છે ત્યારે વાર્તાલેખનનું એક નવું પરોઢ ઉઘડી રહ્યું છે. જેમ કૂવો ગાળવા માટે પાણીકળા જોઈએ, તેમ આજે મહાનગરમાં ચાર પાણીકળા આવ્યા છે. હર્ષદભાઈએ જણાવ્યું કે ગુજરાતી પરિષદ એ ગોવર્ધનરામ ત્રિપાઠીનું સપનું હતું. આપણો સમાજ સંસ્કારાય અને સર્વેનું કલ્યાણ થાય. સાહિત્ય સંસ્થાનું કામ સર્જન, સર્જનકારોને પ્રોત્સાહન મળે એવી પ્રવૃત્તિ કરવાનું છે, અમારું કામ તમારી સર્જકતાને સંકોરવાનું છે. આશા રાખું કે આજની બેઠક થકી અમને ચાર-પાંચ સારી વાર્તા મળે તોય અમે ધન્યતા અનુભવીશું.’

લેખિકા વર્ષાબહેન અડાલજાએ વાર્તાના સ્વરૂપ વિષે વાત કરતાં,’વાર્તાલેખનની કોઈ ફોર્મ્યુલા નથી હોતી. ટૂંકીવાર્તા કેટલી ટૂંકી કે કેટલી લાંબી હોવી જોઈએ તે ફૂટપટ્ટીથી ન મપાય. કોરો કાગળ પોતે જ સર્જક માટે એક ચેલેન્જ લઈને આવે છે. વાર્તાલેખનમાં યોગ્ય કથાવસ્તુ, મૂળ વિચાર, પાત્રાલેખન, સંવાદ અને સમસંવેદનાની ગૂંથણી થઈ જાય ત્યારે લાગે કે વાર્તા બની પણ ખરેખર તો અંત તરફ જતાં વાર્તાનું કેન્દ્રબિંદુ શોધવાનું કામ કઠીન છે.’

50 સિલેક્ટેડ વાર્તાઓ વિશે સઘન ચર્ચા કરવામાં આવી હતી. હિમાંશી શેલતનો પણ ઘણો સહયોગ રહ્યો હતો પરંતુ કોઈ કારણશર તે હાજર નહોતા રહી શક્યા. સર્જક બિંદુબહેને વાર્તાસર્જનમાં વાતાવરણનું મહત્વ સમજાવતા કહ્યું, ‘કોરો કાગળ એટલે મોઢું ફાડીને બેઠેલો વાઘ જાણે ! વાર્તા ભૂગોળ, સમય અને પાત્રો થકી રચાય છે. પાત્ર,એ એનાં સ્થળ-કાળ અને ભૂગોળનું ફરંજદ હોઈ શકે.તમારી આસપાસના કોઈપણ પરિવેશની સહાય લઈને વાર્તા લખી શકાય.’ જાણીતા વાર્તાકાર મહેન્દ્રસિંહ પરમારે પણ વક્તવ્ય આપ્યું હતું. પાત્રાલેખન વિશે વાત કરતા હર્ષદ ત્રિવેદીએ વાત કરી હતી.

 

વાર્તાની ગોઠડી માટે ત્રણ ગ્રૂપ- ધૂમકેતુ ટીમના માર્ગદર્શક બિંદુ ભટ્ટ, દ્વિરેફ ટીમના માર્ગદર્શક હર્ષદ ત્રિવેદી, જયંત ખત્રી ટીમના માર્ગદર્શક મહેન્દ્રસિંહ પરમાર હતા. આ નાના જૂથમાં વાર્તાના વિવિધ પાસા અંગે ચર્ચાઓ મુક્ત મને થઇ. બીજે દિવસે જાણીતાં સર્જક ઈલા આરબ મહેતાએ વાર્તામાં કથાવસ્તુનું મહત્વ વિશે વાત કરી હતી.કેટલાંક વાર્તાકારોએ પોતાની વાર્તા રજૂ કરી તેમાં ‘વહી ગયેલી સુગંધ’ – નેહા ગાંધી, ‘અવાજો’ – કિરણ બૂચ, ‘કોઈ પૂછે કે’ – બાદલ પંચાલ, ‘નથીંગ કમ્સ ફ્રોમ નથીંગ’ – તરુ કજરિયા.

લેખિનીના મંત્રી કામિની મહેતા,વર્ષા તન્ના, કોષાધ્યક્ષ શૈલા શાહ, ભાવના શાહ, કારોબારી સભ્ય વર્ષા ભુતા, મમતા પટેલ, ડિમ્પલ સોનીગ્રા, સક્રિય સભ્ય માના વ્યાસ આદિ લેખિની બહેનોએ રાખેલ આયોજન અંગેની ચોકસાઈ કાબિલે તારીફ હતી. ભાગ લેનારા વાર્તાકારોમાં દિલિપ રાવલ, સતીશ વ્યાસ, કિશોર પટેલ, બાદલ પંચાલ, મેધા ત્રિવેદી, સંજય પંડ્યા, નિરંજના જોશી, પ્રતિમા પંડ્યા, સમીરા પાત્રાવાલા, તરુ કજરિયા, દિના રાયચુરા, સ્મિતા શુક્લ, ડૉ સ્વાતિ સુચક, નેહા ગાંધી અને સુષ્મા શેઠ, કલ્પના દવે, મીનાક્ષી વખારિયા જેવા અનેક જાણીતાં નામો હતા, જેમના રસ અને સહભાગને કારણે વાર્તામંડળી સફળ રહી.