આવકવેરા રિફંડને નામે થઈ રહી છે ઓનલાઈન છેતરપિંડી

નવી દિલ્હીઃ દેશમાં હાલમાં આવકવેરા રિટર્ન (ITR) ફાઈલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આવકવેરા વિભાગે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર નક્કી કરી છે. પરંતુ સાથે-સાથે હવે સાયબર ગુનેગારો પણ સક્રિય થઈ ગયા છે, જે આવકવેરા રિફંડને નામે લોકોને ખોટા ઈમેલ અથવા મેસેજ મોકલીને ઠગવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા ઈમેલ અથવા મેસેજમાં દાવો કરવામાં આવે છે કે તમને તરત જ ટેક્સ રિફંડ મળશે, પણ એ માટે ‘મેન્યુઅલ વેરિફિકેશન’ જરૂરી છે. આ માટે ઠગો ઈમેલ કે મેસેજમાં એક લિંક આપે છે અને લોકો તે લિંક પર ક્લિક કરે છે, કે તરત તેઓ એક નકલી વેબસાઈટ પર પહોંચી જાય છે, જે સરકારી ટેક્સ પોર્ટલ જેવી જ દેખાય છે. આ વેબસાઈટ પર માગવામાં આવેલી વિગતો જેમ કે બેંક ડિટેલ્સ, પાસવર્ડ, OTP વગેરે સીધા સાયબર ઠગોને હાથે પહોંચી જાય છે.

સરકાર દ્વારા આવા ઠગોની સામે ચેતવણી આપવામાં આવી છે અને લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે. આવકવેરા વિભાગે સ્પષ્ટ કહ્યું છે કે તે ક્યારેય પણ ઈમેલ, ફોન કોલ કે SMS દ્વારા સંવેદનશીલ માહિતી માગતો નથી. આવા ઈમેલ મળે તો તેને રિપોર્ટ કરવો અને તરત જ ડિલીટ કરવો જોઈએ.

ફેક ઈમેલન જાળ

સાયબર ગુનેગાર ટેક્સપેયર્સની લાગણીઓનો લાભ લે છે. ITR ફાઈલ કર્યા પછી લોકોને રિફંડની આશા રહે છે અને ઠગો એ જ તકનો લાભ લે છે. તેઓ આવકવેરા વિભાગને નામે ઈમેલ મોકલે છે, જેમાં લખેલું હોય છે કે તમને રૂ. 60,000 સુધીનું રિફંડ મળવાનું છે. આવા ઈમેલમાં ઘણી વાર “મેન્યુઅલ વેરિફિકેશન”ની વાત હોય છે અને દાવો કરવામાં આવે છે કે રૂ. 25,000 કરતાં વધુના રિફંડ માટે RBI અથવા PMLA નિયમો અનુસાર વધારાની પુષ્ટિ જરૂરી છે.

વિભાગે એવી પણ સલાહ આપી છે કે રિફંડની સ્થિતિ ચકાસવા માટે હંમેશા સરકારની સત્તાવાર વેબસાઈટ www.incometax.gov.in પર જાઓ.