એક યજમાન, રોજના બે હજાર મહેમાન અને છતાય કોઈ ભુખ્યુ રહેતુ નથી અને ભુખ્યુ જતુ પણ નથી. માન્યામાં ન આવે તેવી વાત છે પણ આ વાત એકદમ સાચી છે. વાત છે એક સેવાભાવી દંપત્તિની દિનેશભાઈ ઠાકર અને દેવેન્દ્રાબેનની…
દિનેશના નામનો અર્થ સચેત, સક્રિય, સક્ષમ, સ્વભાવગત, ખુશખુશાલ થાય છે અને ઠાકર નામમાં ભગવાન કૃષ્ણ સમાયેલા છે. એવા દિનેશભાઈ ઠાકર નામ અને અટકમાં બધાજ ગુણોનો સમન્વય છે. દિનેશભાઈ ઠાકર એક એવા યજમાન કે જેની મહેમાનગતી માણવા રોજ બે હજાર જેટલા પક્ષીઓ અને સરિસૃપ આવે છે.
દિનેશભાઈ ઠાકર અને તેમના પત્ની દેવેન્દ્રાબેન ઠાકર આમ તો પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ધનોરા ગામ સ્થિત ’નિસર્ગ નિકેતન’ ખાતે જ રહે છે. તેમનો પ્રકૃતિ પ્રેમ એટલો અનન્ય છે. દંપત્તિએ બેચરાજીથી લગભગ ૧૫ કિ.મી. દૂર ‘નિસર્ગ નિકેતન ટ્રસ્ટ’ નામનો આશ્રમ સ્થાપ્યો છે.
આ અશ્રમમાં નથી કોઈ વિદ્યાર્થીઓ ભણતા કે નથી કોઈ વૃધ્ધજનો રહેતા ત્યાં તો બસ પ્રવાસીઓ આવે છે અને એ પણ એકલ દોકલ નહી, પરંતુ અંદાજે બે હજાર જેટલા. મોર ઉપરાંત પોપટ, હોલા, ચીબરી, સુઘરી, દરજીડો, ખીસકોલી, કાચીંડા, ઘો, સાપ જેવા ૨ હજાર જેટલા પક્ષીઓ-સરિસૃપ નિસર્ગ નિકેતનમાં આવે છે. નિસર્ગના ખોળે અને નિસર્ગ પ્રેમી ઠાકર દંપત્તિની નિશ્રામાં જ કૂદરતને માણે છે.
પાટડીના ખારાઘોડાના ઉજ્જડ વિસ્તારમાં 75 વર્ષીય આ દંપત્તિએ 5 હજાર વૃક્ષોની લીલી ચાદર બીછાવીને વિસ્તારને લીલોછમ બનાવ્યો છે. જો કે અત્યાર સુધી દિનેશભાઈ ઠાકરે દોઢ લાખ વૃક્ષો વાવ્યા છે. ગુજરાતના સુરેન્દ્રનગરના જિલ્લામાં પાટડી નજીક ખારાઘોડાના ઉજ્જડ વિસ્તારમાં પાટણના એક દંપત્તિએ આ રણમાં હરિયાળી સર્જી છે. સુરેન્દ્રનગરના જિલ્લાનો પાટડી વિસ્તાર એટલે જોજનો સુધી રણનો ઓછાયો.
સામાન્ય રીતે આપણે આંખ પર હથેળીનો પડદો કરીને રણને જોવા ટેવાયેલા છીએ, પણ અંહી તો રણની રેતીમાં પડતા સૂર્યના કિરણો જ એટલા તેજથી પરિવર્તિત થતા હોય છે કે આપણી આંખો અંજાઈ જાય. રણમાં દેખાતુ મૃગજળ ભલે પાણીની ભ્રામકતા ઉભી કરતું હોય પણ પાટણના 75 વર્ષીય દંપતિએ પાટડીના દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ માત્ર બે મહિનાના ટુંકાગાળામાં 5 હજારથી વધુ વૃક્ષો વાવીને સૂકા રણને એક વાસ્તવિક લીલી ચાદર ઓઢાડી છે.
જીવનના 75 વર્ષ વટાવી ચુકેલા દિનેશભાઈ ઠાકર અને દેવેન્દ્રાબેન ઠાકર નિવૃત્તિ પછી અહીં સાચા અર્થમાં પ્રવૃત્ત થયા છે. વૃક્ષ ઉછેરનો શોખ તેમને આગવી ઉર્જા આપે છે. ઠાકર દંપત્તિએ વૃક્ષોને પોતાના બાળકની જેમ વાવ્યા અને ઉછેર્યા પણ છે. દિનેશભાઈ ઠાકર કહે છે કે, ‘હું છેલ્લા 45 વર્ષથી વૃક્ષ ઉછેરની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છુ. મેં અત્યાર સુધી અંદાજે 1.50 લાખ વૃક્ષો જૂદી જૂદી જગ્યાએ વાવ્યા છે. પાટડી નજીક દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટની પર્યાવરણ જાળવણીની પ્રવૃત્તિ જોઈને હું અને મારા પત્ની બન્ને એ લગભગ બે માસ જેટલું અપ-ડાઉન કરીને ત્યાં 5 હજાર જેટલા વૃક્ષો વાવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઠાકર દંપત્તિ શિક્ષક તરીકેની કારકિર્દી પુર્ણ કરી નિવૃત્ત થયુ છે. દિનેશભાઈ ઠાકર શંખેશ્વરની ઉચ્ચતર બૂનિયાદી શાળામાંથી નિવૃત્ત થયા છે. ભાવનગર જિલ્લામાં પૂજ્ય.નાનાભાઈ ભટ્ટ અને દર્શક મનુભાઇ પંચોલીની લોકભારતી સણોસરા સંસ્થાના સ્નાતક છે. ‘આ જે જે પ્રવૃત્તિઓ સમાજ સેવાર્થે થઈ છે તે સંસ્કારોનું ઘડતર અને સિંચન તે સંસ્થાના ગુરૂજનોઍ કર્યુ છે’ એમ તેઓ કહે છે. પર્યાવરણ જાળવણી-વૃક્ષો વાવવા, અગરિયાઓના કલ્યાણ માટે સદાય તત્પર એવા દિનેશભાઈ ઠાકરને અત્યાર સુધી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ માટે 12 જેટલા એવોર્ડ પણ મળી ચુક્યા છે.
પાટણ નજીક બેચરાજી પાસે નિસર્ગટ્રસ્ટ ચલાવતા દિનેશભાઈ ઠાકર કહે કહે છે કે, નિવૃત્ત થયા બાદ મેં 5 વિઘા જમીનમાં સંખ્યાબંધ વૃક્ષો વાવ્યા છે. મારા ફાર્મમાં 400 જેટલા મોર ઉપરાંત પોપટ, હોલા, ચીબરી, સુઘરી, દરજીડો, ખીસકોલી, કાચીંડા, ઘો, સાપ જેવા 2 હજાર જેટલા પક્ષીઓ-સરિસૃપ આવે છે. એમને અત્યાર સુધી અંદાજે રૂપિયા 1 કરોડનું ચણ નાંખ્યુ છે. હવે તો આ જ મારો પરિવાર છે…’