બ્રિટનમાં ફરી એકવાર કોહિનૂર હીરો ભારત પરત કરવાની માંગ ઉઠી છે. હકીકતમાં, એવા અહેવાલો છે કે રાણી કેમિલા બ્રિટનના રાજા ચાર્લ્સના રાજ્યાભિષેક વખતે સ્વર્ગસ્થ રાણી વિક્ટોરિયાનો કોહિનૂર હીરા-જડાયેલો તાજ પહેરશે નહીં. આ સમાચાર સામે આવતાની સાથે જ કોહિનૂર હીરાને ફરીથી પરત કરવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. લેખક અને બ્રોડકાસ્ટર એમ્મા વેબ અને ભારતીય મૂળના પત્રકાર નરિન્દર કૌર યુકેના એક લોકપ્રિય ટીવી શોમાં કોહિનૂર મુદ્દે ઉગ્ર દલીલમાં ઉતર્યા હતા.
'This is a contested object.' @Emma_A_Webb argues we should not be returning the Crown Jewels back to their geographical origins as ownership can be disputed in heated debate. pic.twitter.com/HCvMCqYFNi
— Good Morning Britain (@GMB) February 16, 2023
એમ્મા વેબે દાવો કર્યો હતો કે કોહિનૂર હીરાની માલિકી અંગે વિવાદ ચાલી રહ્યો છે. જેના પર નરિન્દર કૌરે કહ્યું કે તમે ઈતિહાસ વિશે નથી જાણતા. એમ્મા વેબે કહ્યું કે ‘શિખ સામ્રાજ્યએ લાહોરમાં પણ શાસન કર્યું, તો શું પાકિસ્તાન તેના પર પણ દાવો કરશે? એમ્માએ જણાવ્યું હતું કે શીખ સામ્રાજ્યએ ઈરાની સામ્રાજ્યમાંથી કોહિનૂર હીરાની ચોરી કરી હતી અને ઈરાની સામ્રાજ્યએ મુઘલ શાસકો પર હુમલો કરીને તેને છીનવી લીધો હતો, તેથી કોહિનૂર હીરાની માલિકી અંગે વિવાદ થયો હતો.
આ અંગે ભારતીય મૂળના નરિન્દર કૌરે કહ્યું હતું કે ‘કોહિનૂર હીરા સંસ્થાનવાદી સમયગાળા અને રક્તપાતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ભારતને પાછું આપવું જોઈએ. મને નથી લાગતું કે કોઈ ભારતીય બાળકે કોહિનૂર હીરા જોવા માટે આટલી લાંબી મુસાફરી કરીને બ્રિટન આવવું જોઈએ.’ નરિન્દર કૌરે બાદમાં એક ટ્વીટ પણ કર્યું, જેમાં તેણે લખ્યું કે ‘કોહિનૂર હીરા ભારતની ધરતીમાંથી બહાર આવ્યો છે. તે બ્રિટનના વસાહતી ઇતિહાસના અંધકારમય પ્રકરણોને પ્રતિબિંબિત કરે છે. સંસ્થાનવાદી યુગનો લાભ લેવાનું બંધ કરવું જોઈએ. યુનાઈટેડ નેશન્સે કહ્યું છે કે તેનો ખજાનો ફરીથી મેળવવાનો દરેક દેશનો અધિકાર છે.