ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ યુએસ પ્રમુખપદની ચૂંટણી માટે ઉમેદવારી જાહેર કરી

ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ વર્ષ 2024માં યોજાનારી યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ અત્યાર સુધી ભારતીય મૂળના બે લોકો અમેરિકી રાષ્ટ્રપતિ માટે નોમિનેશનની રેસમાં સામેલ થયા છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય મૂળની નિક્કી હેલીએ પણ 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેણે પોતાનું અભિયાન પણ શરૂ કરી દીધું છે.

કોણ છે વિવેક રામાસ્વામી?

વિવેક રામાસ્વામી એક કરોડપતિ બિઝનેસમેન છે અને અમેરિકી રાજ્ય આયોવામાં તેઓ પોતાની ઉમેદવારીનો પ્રચાર કરવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. રામાસ્વામી કહે છે કે તેઓ વિચાર આધારિત અભિયાન શરૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જણાવી દઈએ કે વિવેક રામાસ્વામીના પિતા જનરલ ઇલેક્ટ્રિક એન્જિનિયર હતા અને ભારતના કેરળથી અમેરિકામાં સ્થાયી થયા હતા. રામાસ્વામીની માતા મનોચિકિત્સક હતી. રામાસ્વામીનો જન્મ અમેરિકાના સિનસિનાટીમાં થયો હતો. હાર્વર્ડ અને યેલ યુનિવર્સિટીના શિક્ષિત વિવેક રામાસ્વામીની સંપત્તિ $500 મિલિયનની નજીક છે. વિવેક રામાસ્વામી એક બાયોટેક કંપનીના માલિક છે.

નિક્કી હેલીએ પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે

આ પહેલા અમેરિકામાં દક્ષિણ કેરોલિનાના પૂર્વ ગવર્નર નિક્કી હેલીએ પણ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. નિક્કી હેલી રિપબ્લિકન પાર્ટી તરફથી પોતાનો દાવો રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે રિપબ્લિકન પાર્ટી તરફથી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ચૂંટણી મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી છે. ભારતીય મૂળના કમલા હેરિસ હાલમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ છે. વિશ્વના ઘણા દેશોમાં ભારતીય મૂળના લોકોનું વર્ચસ્વ વધી રહ્યું છે. બ્રિટનમાં પણ ભારતીય મૂળના ઋષિ સુનક વડાપ્રધાન પદની જવાબદારી સંભાળી રહ્યા છે.