Appleને પછાડી Nvidia બની દુનિયાની સૌથી મોટી કંપની

અમેરિકા: Nvidia એ દુનિયાની સૌથી મોટી અને વિશ્વસનીય કંપની Appleને પછાડીને હવે નંબર 1 પોઝિશન પર આવી ગઈ છે.  Nvidiaની માર્કેટ વેલ્યુ હાલમાં 3.53 ટ્રિલિયન અમેરિકન ડોલર છે. Appleની માર્કેટ વેલ્યુ 3.52 ટ્રિલિયન અમેરિકન ડોલર છે. Nvidiaના શેર અને તેની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચીપની વધતી ડિમાન્ડને કારણે તે હવે નંબર 1 પોઝિશન પર આવી ગઈ છે.

વીડિયો ગેમ્સ માટે ફક્ત પ્રોસેસર બનાવવા માટે જાણીતી કંપની Nvidia હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં એક પ્રબળ નામ બની ગઈ છે. આ કંપનીના શેરનો ભાવ આ વર્ષે 190 ટકાથી વધુ વધ્યો છે. OpenAIએ 6.6 બિલિયન અમેરિકન ડોલર ફંડની જાહેરાત કરી ત્યારથી Nvidia માર્કેટમાં ખૂબ જ ચર્ચામાં રહી છે. OpenAIના GPT-4 માટે Nvidiaની ચીપ ખૂબ જ મહત્વપૂર્ણ છે. AI કંપનીઓ દ્વારા Nvidiaની ચીપની વધતી ડિમાન્ડને કારણે તેના શેરમાં પણ વધારો જોવા મળ્યો છે.દુનિયાની નંબર 1 કંપની બનવાની રેસમાં Nvidia, Apple અને Microsoft એકમેકની ખૂબ જ નજીક છે. જૂનમાં Nvidia પહેલા ક્રમ પર આવવા તૈયારીમાં હતી, પરંતુ Apple અને Microsoft તેને ટક્કર મારી ગયા હતા. જો કે હાલમાં Nvidiaના શેરના ભાવમાં વધારો થતાં તે  પહેલા ક્રમ પર પહોંચી ગઈ છે.

Nvidiaની સફળતા એ દર્શાવી રહી છે કે AIનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે. હવે ઘણી કંપનીઓ AI ચીપ્સ બનાવવા માટે રેસમાં આવી જશે. જોકે આ ટ્રેન્ડ શરૂ થાય તે પહેલાં જ Nvidia આ રેસમાં સૌથી આગળ છે.