મુંબઈઃ NSEL પેરન્ટ કંપની 63 મૂન્સ ટેક્નોલોજીસ લિમિટેડના સહયોગથી 5682 ટ્રેડર્સ સાથેની આખરી અને સૌહાર્દપૂર્ણ વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT), મુંબઈ સમક્ષ રજૂ કરી હતી. આ વન ટાઇમ સેટલમેન્ટનો મૂળ પ્રસ્તાવ મોટી સંખ્યામાં ટ્રેડર્સનું પ્રતિનિધિત્વ કરી રહેલા સંગઠન – NSEL ઇન્વેસ્ટર્સ ફોરમ (NIF) દ્વારા મૂકવામાં આવ્યો હતો.
આ સ્કીમ ઓફ સેટલમેન્ટ અનુસાર 5682 ટ્રેડર્સને 31 જુલાઈ 2024એની એમની લેણી રકમના પ્રમાણ અનુસાર કુલ 1950 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવશે. એને પગલે 63 મૂન્સ ગ્રુપની વિરુદ્ધના તમામ કાનૂની કેસ બંધ કરવામાં આવશે અને ટ્રેડર્સના તમામ હક 63 મૂન્સના ફાળે જશે.
NCLTએ આ પ્રસ્તાવિત સ્કીમ ઓફ સેટલમેન્ટ પર ટ્રેડર્સનું ઈ-વોટિંગ કરાવવાનો 8 એપ્રિલ 2025એ આદેશ આપ્યો હતો. NCLTએ ઈ-વોટિંગ પર દેખરેખ રાખવા માટે અશ્વિની ગુપ્તા (કંપની સેક્રેટરી)ની સ્ક્રુટિનાઇઝર તરીકે અને મુકેશ મિત્તલ (નિવૃત્ત IRS અધિકારી)ની ચેરપર્સન તરીકે નિમણૂક કરી હતી. મતદાન 17મી એપ્રિલ 2025એ શરૂ થઈને 17 મે 2025એ પૂરું થયું હતું.
સ્ક્રુટિનાઇઝરે સુપરત કરેલા અને ચેરપર્સને 19 મે, 2025એ મંજૂર કરેલા ઈ-વોટિંગના પરિણામ વિશેના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મૂલ્યની દ્રષ્ટિએ 91.35 ટકા હિસ્સો ધરાવતા ટ્રેડર્સે અને સંખ્યાની દ્રષ્ટિએ 92.81 ટકા ટ્રેડર્સે સેટલમેન્ટના ઠરાવની તરફેણમાં મતદાન કરીને એના પર મંજૂરીની મહોર મારી હતી.
આ સેટલમેન્ટને પગલે એ તમામ ટ્રેડર્સને મોટી રાહત મળશે, જેમનાં નાણાં જુલાઈ 2013માં સર્જાયેલી NSEL પેમેન્ટ કટોકટીમાં ફસાઈ ગયાં હતાં. ટ્રેડર્સને ન્યાય મળવામાં વિલંબ થવાનું કારણ તત્કાલીન ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના અધ્યક્ષ રમેશ અભિષેક હતા. એમની પાસે ડિફોલ્ટર વિરુદ્ધ કાર્યવાહી કરાવવાની સત્તા હોવા છતાં એમણે એક પણ પગલું ભર્યું ન હતું.NSEL ઓગસ્ટ, 2013માં 63 મૂન્સના સહયોગથી 179 કરોડ રૂપિયાની ચુકવણી કરી હતી, જેની મદદથી 10 લાખ કરતાં ઓછી લેણી રકમ ધરાવતા 7053 નાના ટ્રેડર્સને લાભ મળ્યો હતો.63 મૂન્સ ફરી એક વાર ટ્રેડર્સના પડખે રહી છે. NSELના MD-CEO નીરજ શર્માએ રોકાણકારોને ન્યાય અપાવવા માટે NSEL ઇન્વેસ્ટર્સ ફોરમ (NIF) દ્વારા કરાયેલા કાર્યની પ્રશંસા કરી છે. રોકાણકારોના લાભાર્થે વન ટાઇમ સેટલમેન્ટ લાવવા વિશે NIF દ્વારા ચર્ચા શરૂ કરવામાં આવી હતી.
