વન નેશન, વન ઈલેક્શન કમિટિનું નોટિફિકેશન જાહેર

કેન્દ્ર સરકારે શનિવારે વન નેશન, વન ઈલેક્શનની સમિતિને લઈને એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં આઠ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિના અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે. સમિતિના સભ્યોમાં ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી, પૂર્વ સીએમ ગુલામ નબી આઝાદ, ભૂતપૂર્વ નાણા પંચના અધ્યક્ષ એનકે સિંહ, ભૂતપૂર્વ લોકસભા મહાસચિવ સુભાષ સી કશ્યપ, હરીશ સાલ્વે અને ભૂતપૂર્વ સીવીસી સંજય કોઠારીનો સમાવેશ થાય છે. સમિતિનો કાર્યકાળ સ્પષ્ટ નથી. આ કમિટીને વહેલી તકે તેનો રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે.

સમિતિને શું કહેવામાં આવશે?

સમિતિનું નામ ઉચ્ચ સ્તરીય સમિતિ કહેવાશે અને અંગ્રેજીમાં તેને HLC કહેવામાં આવશે. કાયદા અને ન્યાય વિભાગના સચિવ નીતિન ચંદ્રા તેનો એક ભાગ હશે. નિતેન ચંદ્રા પણ HLCના સચિવ રહેશે. આ ઉપરાંત સમિતિની બેઠકમાં કેન્દ્રીય ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલ હાજર રહેશે. એક રાષ્ટ્ર, એક ચૂંટણીનો અર્થ છે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવી.

સમિતિ શું કામ કરશે?

આ સમિતિ લોકસભા, વિધાનસભા, મ્યુનિસિપલ સંસ્થાઓ અને પંચાયતોની ચૂંટણીઓ એકસાથે યોજવાની શક્યતા પર વિચારણા કરશે અને ભલામણ કરશે. તે એ વાતનો પણ અભ્યાસ કરશે કે શું બંધારણમાં સુધારા માટે રાજ્યોની મંજૂરીની જરૂર પડશે. સમિતિ તરત જ કામ શરૂ કરશે અને વહેલી તકે ભલામણો આપશે. આ ઉપરાંત સમિતિ ત્રિશંકુ ગૃહ, અવિશ્વાસ પ્રસ્તાવ અથવા એકસાથે ચૂંટણીના સંજોગોમાં પક્ષપલટોથી ઉદ્ભવતા દૃશ્યોની અસરનું પણ વિશ્લેષણ કરશે.

પીએમ મોદી શું આપી રહ્યા છે દલીલ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વન નેશન, વન ઈલેક્શનની હિમાયત કરી રહ્યા છે. 2018 માં સંસદને સંબોધતા, તેમણે કહ્યું હતું કે, વારંવાર ચૂંટણીઓ માત્ર માનવ સંસાધન પર જ મોટો બોજ નાખતી નથી પરંતુ ચૂંટણીની આચારસંહિતાનો અમલ પણ આ વિકાસ કાર્યોને પૂર્ણ કરવાની પ્રક્રિયાને અવરોધે છે.