ફાધર વાલેસ સાથે એક સંસ્કૃતિની ય વિદાય

કેટલાક લોકો એવી પ્રતિજ્ઞા લે છે કે રોજ કોઇ એક સુકૃત્ય કરવું જેથી કંઇ નહીં તો એટલું સારું સ્મરણ દિવસમાં રહે અને એક શુભ કાર્યના પૂણ્યથી આખો દિવસ સારો ગયો એમ કહી શકાય. દિવસ ગમે તેવો ગયો હોય પણ તેને માથે એક સુકૃત્યનો ચાંલ્લો આવ્યો એટલે આખો દિવસ પવિત્ર બન્યો…..કોઇ વિશિષ્ટ કૃત્યની જરુર નથી, કોઇ સોનાની ઇંટની જરુર નથી. હોય તો સારું છે…પણ એ ન હોય તોય દિવસને મંગળ કહીશું. દરેક કાર્ય હોવું જોઇએ તેવું હોય, એટલું જ જરુરી છે. ખાવાનું તો ખાવાનું અને વાંચવાનું તો વાંચવાનું. વાતચીત તો વાતચીત અને પ્રાર્થના તો પ્રાર્થના. દરેક પોતાના સમયે થાય, પોતાની રીતે થાય, આનંદથી થાય…….દરેકમાં ધ્યાન દરેકથી સંતોષ…એ રીતે સારો દિવસ થાય. એ રીતે સારું જીવન જીવાય. આજનો દિવસ એવો જીવીએ…

આ ગદ્યાંશ છે ‘આજનો દિવસ’ નામના એક નિબંધનો. અને એ લખ્યો હતો ફાધર વાલેસે. આવી રીતે, પોતે જેવું લખ્યું એવું ફ્કત દિવસો જ નહીં પરંતુ પૂરા 95 વર્ષ જીવનારા ફાધર વાલેસનું આજે અવસાન થયું. એક એવું વ્યક્તિત્વ, જેને કોઇ પરિચયની જરુર નથી. ગુજરાતીઓ એમને સવાયા ગુજરાતી તરીકે ઓળખે છે. એમણે ગુજરાતી ભાષા અને ગુજરાતને પ્રેમ કર્યો છે, તો ગુજરાતીઓએ એમને હંમેશા પોતીકાં ગુજરાતી જ ગણ્યા છે.

25 નવેમ્બર, 1920ના રોજ જન્મેલા ફાધર ગુજરાતી ભાષાને હંમેશા માતૃતૂલ્ય ગણતા. જે લોકો ગુજરાતી લખી-વાંચી શકે છે એ લોકોની આંખે આ નામ ન ચડ્યું હોય તો જ નવાઇ. ગુજરાતી પ્રજાની એક નહીં, કદાચ બે બે જનરેશન એમને વાંચીને મોટી થઇ છે. એમના નિબંધો, કેળવણી વિશેના લેખો, શિક્ષણ પ્રથા માટેનું ચિંતન એવું ઘણું ઘણું છે, જે આજે પણ એટલું જ મૂલ્યવાન છે. વાંચવાની બહુ ટેવ ન હોય તો પણ સ્કૂલમાં ગયેલા વિદ્યાર્થીને ‘ભાષા જાય તો સંસ્કૃતિ જાય’ એવો એમનો નિબંધ યાદ જ હોય….

 

કાર્લોસ જી. વાલેસ એમનું મૂળ નામ, પણ જગત ઓળખે એમને ફાધર વાલેસના નામે. વતની એ સ્પેનના, પરંતુ રહ્યા ગુજરાતમાં. અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણાવ્યું. આમ તો એ સ્પેનના કે ગુજરાતના એવું કહેવું જ ખોટું. એ ખરા અર્થમાં વિશ્વ નાગરિક હતા. ગ્લોબલ પર્સન. 1949માં ચોવીસ વર્ષની ઉંમરે એ ભારત આવ્યા. ગ્રીક લિટરેચર અને ફિલોસોફીની ડીગ્રી એમની પાસે હતી. શબ્દોનો આ માણસ ચેન્નઇમાં આંકડા ભણ્યો એટલે કે ગણિતની ડીગ્રી લીધી. 1 મે 1960ના દિવસથી અમદાવાદ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિત વિષયનું અધ્યાપન શરુ કર્યું. ગુજરાત અને ગુજરાતી ભાષા સાથેના એક યાદગાર સંબંધના મંડાણ થયા એ દિવસથી.

ગુજરાતી ભાષા, વિવિધ ધર્મોના પણ અભ્યાસુ જીવ. ફાધર વાલેસે ગણિત વિષયની સમજૂતી સરળતાથી મળે એવા પુસ્તકો ગુજરાતીમાં લખ્યા. અંગ્રેજી ભાષાના અનેક શબ્દો આપણને એમની પાસેથી ગુજરાતી રુપે મળ્યા. આપણે એમને નિબંધકાર તરીકે, ભાષાકર્મી તરીકે ઓળખીએ છીએ, પરંતુ ગણિત એમનો મુખ્ય અને રસનો વિષય હતો અને સંશોધન તથા અનુવાદનો પણ. અમદાવાદમાં સાઇકલ પર એમને ફરતા જોનાર લોકો આજે પણ મોજુદ છે.

ઝેવિયર્સ કોલેજે ફાધર વાલેસને એમના નેવુંમા જન્મદિવસની શુભેચ્છા પાઠવવા આજથી પાંચેક વર્ષ પહેલાં ઓનલાઇન સેલિબ્રેશન કર્યું હતું. વિદ્યાર્થીઓએ એમને સ્પેનિશમાં શુભેચ્છા પાઠવી તો એમણે જવાબ ગુજરાતીમાં આપેલા!

ગુજરાતના મોટા ગજાના સાહિત્યકાર, ગદ્યકારની સાથે, સમકક્ષ એમનું નામ પૂરા આદરથી લેવાતું આવ્યું છે. 1966 માં એમને કુમાર ચંદ્રક અને 1978 માં ગજુરાતી સાહિત્યનો સર્વોચ્ચ ગણાતો રણજિરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. ગુજરાતી વ્યાકરણ પર પણ એમણે સરસ પુસ્તક લખ્યું છે. એમનું ‘લગ્ન સાગર’ નામનું પ્રચલિત પુસ્તક હિન્દુ સંસ્કૃતિ, લગ્ન સંસ્કારની એક શ્રેષ્ઠ કહી શકાય એવી રેફરન્સ બુક છે.

(જ્વલંત છાયા-રાજકોટ)