મહેસાણા: હવામાન વિભાગની આગાહી અનુસાર ગુરૂવારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. ગુરૂવાર સવારથી જ બનાસકાંઠા, મહેસાણા અને પાટણમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહેસાણાના વિજાપુરમાં 2.16 ઇંચ, મહેસાણામાં 1.57 ઇંચ, સાબરકાંઠાના પ્રાંતિજમાં 1.41 ઇંચ અને બનાસકાંઠાના ડીસામાં 1.37 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગાંધીનગરના માણસામાં 1.30 ઇંચ, અરવલ્લીના મોડાસામાં 1.22 ઇંચ અને ધનસુરામાં 1.10 ઇંચ, પોશીનામાં 1.06 ઇંચ વરસાદ ખાબક્યો છે.ભારે વરસાદના કારણે મહેસાણા શહેરમાં આવેલી કાવેરી શાળામાં પાણી ભરાતાં અફરાતફરી મચી હતી. તાત્કાલિક ધોરણે શાળાના બાળકો અને શિક્ષકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. ભારે વરસાદના કારણે મહેસાણા હાઇવેના અંડરપાસમાં પાણી ભરાયા હોવાની માહિતી સામે આવી છે. બીજી તરફ પાલનપુર પંથકમાં પણ ભારે વરસાદ વરસતાં શહેર અને પંથકના અનેક વિસ્તાર પાણી પાણી થયા છે. અનેક રસ્તાઓ જળમગ્ન થયા છે અને ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જ્યારે કેટલીક શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદ-પાલનપુર હાઇવે પર પણ વરસાદી પાણી ભરાતાં લોકોની હાલાકી વધી છે. વરસાદના કારણે પાલનપુર-અંબાજી માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. પાલનપુર-અંબાજી માર્ગ પર આવેલા વીરપુર પાટિયા પાસે પાણી ભરાતાં વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.ભારે વરસાદ વરસાદના પગલે મહેસાણા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતો ધરોઈ ડેમ 63.09 ટકા ભરાયો છે. ડેમમાં પાણીની આવક હાલમાં 11,667 ક્યુસેક છે. ડેમની હાલની પાણીની સપાટી 611.46 ફૂટ (186.376 મીટર) પહોંચી છે.હવામાન વિભાગની આગાહી અનુસાર છઠ્ઠી સપ્ટેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાતમી સપ્ટેમ્બર દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.