કેમેસ્ટ્રી નોબલ પ્રાઈઝ: ડેવિડ બેકર, ડેમિસ હસાબીસ, જ્હોન જમ્પરના નામની જાહેરાત

વર્ષ 2024 માટે રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સે બુધવારે જણાવ્યું હતું કે તેણે ડેવિડ બેકર, ડેમિસ હસાબીસ અને જ્હોન એમ. જમ્પરને રસાયણશાસ્ત્રમાં 2024 નોબેલ પુરસ્કાર આપવાનું નક્કી કર્યું છે. ડેવિડ બેકરને ‘કમ્પ્યુટેશનલ પ્રોટીન ડિઝાઇન’ માટે એવોર્ડ મળ્યો છે. ડેમિસ હસાબીસ અને જોન જમ્પરને ‘પ્રોટીન સ્ટ્રક્ચરની આગાહી’ માટે પસંદ કરવામાં આવ્યા છે. રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સના સેક્રેટરી જનરલ હેન્સ એલ્ગ્રેને નોબેલ પુરસ્કારની જાહેરાત કરી હતી. વિજેતાઓમાંથી ડેવિડ બેકર યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં કામ કરે છે, જ્યારે હસાબીસ અને જમ્પર બંને લંડનમાં ગૂગલ ડીપમાઇન્ડમાં કામ કરે છે.

નોબેલ સમિતિએ જણાવ્યું હતું કે 2003માં, ડેવિડ બેકરે એક નવું પ્રોટીન બનાવ્યું હતું અને ત્યારથી તેમના સંશોધન જૂથે કાલ્પનિક પ્રોટીન રચનાઓની શ્રેણી બનાવી છે. જેમાં ફાર્માસ્યુટિકલ્સ, રસીઓ, નેનોમટેરિયલ્સ અને નાના સેન્સર તરીકે ઉપયોગમાં લેવાતા પ્રોટીનનો સમાવેશ થાય છે. સમિતિએ જણાવ્યું હતું કે હસાબીસ અને જમ્પરે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ બનાવ્યું છે. જે 200 મિલિયન પ્રોટીનની રચનાની આગાહી કરવામાં સક્ષમ છે. પ્રોટીન ડિઝાઇન એ એક તકનીક છે, જેમાં પ્રોટીનની રચના બદલીને નવા ગુણધર્મો સાથે પ્રોટીન તૈયાર કરવામાં આવે છે. જે દવાઓ અને રસી બનાવવામાં મદદ કરે છે.

પ્રોટીન માનવ શરીર માટે રાસાયણિક સાધનની જેમ કામ કરે છે. તે શરીરમાં થતી તમામ રાસાયણિક પ્રતિક્રિયાઓને નિયંત્રિત કરે છે જે માનવ જીવનનો આધાર છે. પ્રોટીન લગભગ 20 વિવિધ એમિનો એસિડથી બનેલું છે. 2003માં, ડેવિડ બેકરે આ એમિનો એસિડનો ઉપયોગ કરીને એક નવા પ્રકારનું પ્રોટીન બનાવ્યું. તે ઘણી રસીઓ અને દવાઓમાં વપરાય છે.

બીજી શોધમાં, પ્રોટીન સ્ટ્રક્ચરને સમજવા માટે AI મોડેલ બનાવવામાં આવ્યું હતું. હકીકતમાં, પ્રોટીનમાંના એમિનો એસિડ લાંબા તારોમાં એકસાથે જોડાયેલા હોય છે જે 3D માળખું બનાવે છે. 1970ના દાયકાથી, વૈજ્ઞાનિકો એમિનો એસિડના આધારે પ્રોટીનની રચનાને સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેઓ સફળ થયા ન હતા.વર્ષ 2020માં, ડેમિસ હસાબીસ અને જ્હોન જમ્પરે AI મોડેલ AlphaFold 2 બનાવ્યું. તેની મદદથી, વૈજ્ઞાનિકો વર્ચ્યુઅલ રીતે તમામ 200 મિલિયન પ્રોટીનની રચનાને સમજવામાં સક્ષમ હતા. આજે આલ્ફાફોલ્ડ મોડલનો ઉપયોગ 190 દેશોમાં લગભગ 2 મિલિયન લોકો કરે છે. પ્રોટીનની રચનાને સમજવાથી વૈજ્ઞાનિકોને એન્ટીબાયોટીક્સને વધુ સારી રીતે સમજવામાં અને પ્લાસ્ટિકને તોડી નાખતા એન્ઝાઇમ બનાવવામાં મદદ મળી છે.