નોબેલ શાંતિ પુરસ્કાર માટે જાપાની સંસ્થા નિહોન હિડાંક્યોની પસંદગી

વર્ષ 2024ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે જાપાની સંસ્થા ‘નિહોન હિડાંક્યો’ની પસંદગી કરવામાં આવી છે. આ સંસ્થાનેએ પરમાણુ શસ્ત્રોથી મુક્ત વિશ્વ બનાવવાના પ્રયાસો કર્યા છે. સંસ્થાએ સાક્ષીઓના નિવેદનો લઈને એ વાત સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે પરમાણુ શસ્ત્રોનો ફરી ક્યારેય ઉપયોગ થવો જોઈએ નહીં. ‘નિહોન હિડાંક્યો’ સંસ્થાએ હિરોશિમા અને નાગાસાકીના પરમાણુ બોમ્બથી બચી ગયેલા લોકો માટે જમીની સ્તર પર લડાઈ લડી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1956માં રચાયેલ ‘નિહોન હિડાંક્યો’ સંસ્થા જાપાનમાં પરમાણુ બોમ્બથી બચી ગયેલા લોકોનું સૌથી મોટું અને સૌથી પ્રભાવશાળી સંગઠન છે. તેનું ધ્યેય પરમાણુ શસ્ત્રોના વિનાશક માનવતાવાદી પરિણામો વિશે વૈશ્વિક જાગૃતિ વધારવાનું છે. સંસ્થા સાથે જોડાયેલા લોકો ઓગસ્ટ 1945માં પોતે અનુભવેલા વિનાશના અંગત અનુભવો શેર કરે છે. હિરોશિમા અને નાગાસાકીના બચી ગયેલા લોકોએ – આંતરરાષ્ટ્રીય “પરમાણુ નિષિદ્ધ”ને આકાર આપવામાં મદદ કરી છે. જેણે પરમાણુ હથિયારોના ઉપયોગને નૈતિક રીતે અસ્વીકાર્ય જાહેર કર્યો છે.

નોર્વેજીયન નોબેલ સમિતિએ આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કાર માટે કુલ 286 ઉમેદવારો પાસેથી અરજીઓ મેળવી હતી. જેમાંથી 89 સંસ્થાઓ હતી. વર્ષ 2023માં ઈરાની પત્રકાર અને માનવાધિકાર કાર્યકર્તા નરગીસ મોહમ્મદીને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. તેઓ ઇરાનમાં પ્રતિબંધિત સંસ્થા, માનવ અધિકાર કેન્દ્રના ડિફેન્ડર્સના ડેપ્યુટી ડિરેક્ટર તરીકેના તેમના કામ માટે વધુ જાણીતા છે.નોબેલ શાંતિ પુરસ્કાર નોર્વેની સંસદ (સ્ટોર્ટિંગેટ) દ્વારા પસંદ કરાયેલ સમિતિ દ્વારા એનાયત કરવામાં આવે છે. સમિતિમાં નોર્વેજીયન સંસદ દ્વારા નિયુક્ત 5 સભ્યોનો સમાવેશ થાય છે, જેઓ એવોર્ડ માટે વિજેતાઓની પસંદગી કરે છે.