વડોદરા: શહેરની દીકરી નિશાનું એક અઘરું સ્વપ્ન આખરે સાકાર થયું છે. માર્ગદર્શક નિલેશ બારોટનો પરિશ્રમ રંગ લાવ્યો છે. લગભગ 16 હજાર કિલોમીટરનો જમીન માર્ગે સાયકલ પ્રવાસ કરીને નિશાએ વડોદરાથી લંડનની મંઝિલ સર કરી છે. એક વર્ષ પહેલા એણે વિશ્વના સહુથી ઊંચા શિખર એવરેસ્ટને તળિયાથી ટોચ સુધી જાણે કે માપી લીધો હતો. હિમાલયે એને હિમદંશની વેદના આપી હતી અને હવે તેની આંગળીઓને યુરોપની ઠંડીમાં સોય જેવી વેદના મળી રહે છે. છતાં મક્કમ મનોબળ રાખીને નિશાએ બસોથી વધુ દિવસનો સતત પ્રવાસ કરીને લંડન 0 કિમીનું લક્ષ્ય હાંસલ કર્યું છે.આખા પ્રવાસ માર્ગમાં ફક્ત ફ્રાન્સના કાંઠેથી બ્રિટનના કાંઠા સુધી આ પ્રવાસીઓએ સમુદ્ર માર્ગે બોટમાં પ્રવાસ કર્યો છે. તે પછી આજે ઇંગ્લેન્ડની ધરતી પર નિશાએ અંદાજે 120 કિમી સાયકલ અને નિલેશભાઈએ વાહન ચલાવીને લંડનની હદમાં પ્રવેશ કર્યો હતો. પ્રવાસીઓનું ઇસ્ટ લંડનમાં એક ગુજરાતી પરિવારે ભાવસભર આતિથ્ય કર્યું હતું અને ગુજરાતી ભોજન પીરસ્યું હતું. આ સ્વાગતથી પ્રવાસીઓ ગુજરાતની ધરતી પર પહોંચી ગયા હોય એવી લાગણી અનુભવી હતી.