અમદાવાદઃ નિફ્ટી વીકલી એક્સપાયરીના દિવસે બેતરફી વધઘટને અંતે તેજી થઈ હતી. સાત મહિના પછી નિફ્ટીએ ફરી એક વાર 25,000ની પાર પહોંચ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ભારે લેવાલી થઈ હતી. BSEના બધા સેક્ટર તેજી સાથે બંધ થયા હતા.
ઘરેલુ શેરબજારોમાં તેજીનું મુખ્ય કારણ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નિવેદન રહ્યું હતું. ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારતે અમેરિકાને વિના ટેરિફવાળા એક ટ્રેડની રજૂઆત કરી છે. ટ્રમ્પે આ નિવેદન કતારની રાજધાની દોહામાં બિઝનેસ લીડર્સની સાથે એક બેઠકમાં થઈ હતી. ભારતીય માલસામાનો પર અમેરિકાએ 26 ટકા ટેરિફ લગાવ્યો છે. જોકે એ પછી એમાં 90 દિવસ માટે રોક લગાવી છે.
આ સાથે ફ્યુચર્સ ટ્રેડમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો થયો હતો. વૈશ્વિક નબળી માગ વચ્ચે ક્રૂડ ઓઇલનો વાયદાનો ભાવ રૂ. 137 ઘટીને રૂ. 5364 પ્રતિ બેરલ પર થયો હતો. ક્રૂડઓઇલની કિમતોમાં ઘટાડો ભારત માટે સારી બાબત છે.
સેક્ટોરિયલ રીતે રિયલ્ટી, મેટલ અને ઓટો ઇન્ડેક્સ તેજી સાથે બંધ થયા હતા, જ્યારે IT, PSE અને બેન્કિંગ શેરોમાં પણ લેવાલી થઈ હતી. નિફ્ટી આ પહેલાં 17 ઓક્ટોબર, 2025એ 25,000ને પાર પહોંચ્યો હતો. નિફ્ટીના 50માંથી 49 શેરો તેજી સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 1200 પોઇન્ટ ઊછળી 85,531ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 395 પોઇન્ટ ઊછળી 25,062ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી બેન્ક 554 પોઇન્ટ ઊછળી 55,356ના સ્તરે બંધ થયો હતો.
BSE પર કુલ 4114 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 2642 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 1325 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 147 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 92 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 28 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 328 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 142 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.
