નવી સંસદ ભવનઃ PM મોદીએ પોસ્ટેજ સ્ટેમ્પ અને 75 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારેના રોજ સંસદના નવનિર્મિત બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. આ પહેલા પીએમ મોદીએ લોકસભામાં સ્પીકરની સીટ પાસે ઐતિહાસિક રાજદંડ ‘સેંગોલ’ સ્થાપિત કર્યો હતો. સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યા પછી, પીએમ મોદી નવી સંસદની અંદર લોકસભા પહોંચ્યા, જ્યાં તેમણે એક ખાસ સ્મારક ટપાલ ટિકિટ અને 75 રૂપિયાનો સિક્કો પણ બહાર પાડ્યો. આ દરમિયાન વિવિધ પક્ષોના સાંસદો અને પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહ્યા હતા.

 

ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ કહ્યું કે, આ 140 કરોડ ભારતીય નાગરિકોની આકાંક્ષાઓ અને સપનાઓનું પ્રતિબિંબ છે. આજે સમગ્ર વિશ્વ ભારત તરફ સન્માન અને આશાની નજરે જોઈ રહ્યું છે. વડાપ્રધાને કહ્યું કે જ્યારે ભારત આગળ વધે છે ત્યારે વિશ્વ આગળ વધે છે. વડાપ્રધાને કહ્યું કે દેશની વિકાસયાત્રાની કેટલીક ક્ષણો અમર બની જાય છે અને આજનો દિવસ એવો જ એક દિવસ છે.


લોકશાહીનું મંદિર

મોદીએ કહ્યું, “તે માત્ર એક ઇમારત નથી, તે 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ અને સપનાઓનું પ્રતિબિંબ છે. તે વિશ્વને ભારતના સંકલ્પનો સંદેશ આપે છે. તે આપણા લોકશાહીનું મંદિર છે.” તેમણે કહ્યું કે, નવું સંસદ ભવન આયોજન સાથે વાસ્તવિકતા, નીતિ સાથે બાંધકામ, ઇચ્છાશક્તિ સાથે કાર્ય અને સિદ્ધિ સાથે સંકલ્પની એક મહત્વપૂર્ણ કડી સાબિત થશે. આ નવી ઇમારત આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાને સાકાર કરવા માટે એક નવું માધ્યમ બનશે. આત્મનિર્ભર ભારતના સૂર્યોદયના સાક્ષી બનશે.


ઐતિહાસિક સેંગોલની સ્થાપના

નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરતા પહેલા વડાપ્રધાન મોદીએ સંસદમાં સેંગોલ સ્થાપિત કર્યું હતું. સેન્ગોલ એ જ રાજદંડ છે જે જવાહરલાલ નેહરુને છેલ્લા બ્રિટિશ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટન પાસેથી સત્તાના હસ્તાંતરણના પ્રતીક તરીકે મળ્યો હતો. ચોલ વંશમાં આ રાજદંડ દ્વારા સત્તાનું ટ્રાન્સફર થતું હતું.