મુંબઈઃ ફૂડ ડિલિવરી સેવાએ ભારતમાં ક્રાંતિ લાવી દીધી છે. લોકો ઘેર બેઠાં એમની વાનગીઓ માટે ઓર્ડર કરે છે અને ઝોમેટો જેવી રેસ્ટોરન્ટ એગ્રીગેટર અને ફૂડ ડિલિવરી કંપની ગ્રાહકોની ફેવરિટ રેસ્ટોરન્ટ કે ફાસ્ટ-ફૂડ ગેજેટ્સમાંથી તે લાવી આપે છે. હવે ઝોમેટો કંપનીએ ઘર-જેવું તાજું ભોજન પહોંચાડવાની નવી સેવા શરૂ કરી છે – ‘એવરીડે’.
ઝોમેટો આ હોમ-મેડ ફૂડ સર્વિસ અંતર્ગત ફૂડ પાર્ટનર્સ હોમ-શેફ સાથે સહયોગ કરીને ઘર જેવું તાજું ભોજન ડિલિવર કરશે. હોમ શેફ બધી વાનગીઓને કાળજીપૂર્વક રાંધશે. ગ્રાહકો ઓછા સમયમાં, વાજબી કિંમતે અને ઘેરબેઠાં એ ભોજન ખાવાનો આનંદ માણી શકશે. તાજાં ભોજનની ડિલિવરી માટે શરૂઆતમાં 89 રૂપિયા ચાર્જ કરાશે. હાલ આ સેવા હરિયાણાના ગુડગાંવ શહેરમાં શરૂ કરાઈ છે અને ટૂંક સમયમાં બીજા શહેરોમાં પણ શરૂ કરાશે એવી ધારણા છે.