લખનઉ- ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર દ્વારા નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જે સામૂહિક વિવાહ યોજના અંતર્ગત લગ્ન કરનારી યુવતિઓને રુપિયા ત્રણ હજારનો મોબાઈલ ફોન આપવામાં આવશે અને આ ઉપરાંત 35 હજાર રુપિયા પણ આપવામાં આવશે. આ યોજનાની શરુઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર બનારસથી કરવામાં આવશે.
આ યોજના અંતર્ગત કન્યાને 20 હજાર રુપિયા આપવામાં આવશે. આ સહાય લાભાર્થીના બેંક ખાતામાં જમા આપવામાં આવશે. આ ઉપરાંત 10 હજારની સહાય કન્યા માટે કપડાં, ઘરેણાં અને વાસણોની ખરીદી માટે આપવામાં આવશે. વારાણસીના જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીએ જણાવ્યું કે, જરુરિયાતમંદોને સામુહિક લગ્ન યોજના અંતર્ગત યોગી સરકાર દ્વારા વિવિધ લાભ આપવામાં આવશે.
વારાણસીના જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીએ જણાવ્યું કે, આ યોજના માટે યોગી સરકાર દ્વારા 1 કરોડ 66 લાખ 60 હજાર રુપિયાની રકમ આપવામાં આવી છે. વધુમાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીએ કહ્યું કે, નવવધુના દરેક કપલને 5 હજાર રુપિયાની સહાય જાનૈયાઓના ભોજન ખર્ચ માટે આપવામાં આવશે. સામુહિક વિવાહ કાર્યક્રમ અંતર્ગત ઓછામાં ઓછા 10 કપલની નોંધણી થવી અનિવાર્ય છે.
જિલ્લા અધિકારીના જણાવ્યા મુજબ આગામી 20થી 30 જાન્યુઆરી 2018 દરમિયાન 100 નવવધુના સામુહિક વિવાહનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.