કોંગ્રેસમાં ‘રાહુલ રાજ’ની શરુઆત: સોનિયા, મનમોહનની હાજરીમાં સંભાળ્યો પદભાર

નવી દિલ્હી- દેશના સૌથી જૂના રાજકીય પક્ષમાં એક નવા યુગની શરુઆત થઈ છે. સોનિયા ગાંધી બાદ હવે કોંગ્રેસમાં ‘રાહુલ રાજ’ શરુ થયું છે. આજે નવી દિલ્હીમાં રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ પદનું સર્ટીફિકેટ આપવામાં આવ્યું હતું. જેથી કોંગ્રેસની કમાન હવે સત્તાવાર રીતે રાહુલના હાથમાં આવી ગઈ છે. આ સમયે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આપને જણાવી દઈએ કે, ગત 11 ડિસેમ્બરના રોજ રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ પદ માટે અન્ય કોઈએ આવેદન નહીં કરતાં રાહુલનું ચૂંટાઈ આવવું પહેલેથી જ નક્કી હતું. રાહુલ ગાંધી પહેલાં આ પદ ઉપર તેમના માતા સોનિયા ગાંધી હતાં. જેમણે 1998-2017 સુધી કોંગ્રેસ પાર્ટીના પ્રેસિડેન્ટની જવાબદારી નિભાવી હતી.

રાજધાની દિલ્હીના 24 અકબર રોડ સ્થિત કોંગ્રેસ કાર્યાલયે રાહુલ ગાંધીના તાજપોશીના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સોનિયા ગાંધીને જ્યારે પ્રશ્ન પુછવામાં આવ્યો કે, રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ તેમની પાર્ટીમાં શું જવાબદારી રહેશે. જેના જવાબમાં તેમણે કહ્યું કે, તેઓ સંસદમાં પાછળની હરોળમાં બેસસે અને વધુમાં એમ પણ જણાવ્યું કે, તેઓ નિવૃતિની ભૂમિકા ભજવશે. સોનિયા ગાંધીએ જણાવ્યું કે, છેલ્લાં ત્રણ વર્ષથી બધા જ મહત્વના નિર્ણયમાં રાહુલ ગાંધી મુખ્ય ભૂમિકા ભજવતા હતાં.