અયોધ્યાઃ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં પાંચ ઓગસ્ટના રોજ શ્રીરામ જન્મભૂમિ મંદિર માટે ભૂમિ પૂજન અને શિલાન્યાસને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખૂબ ગંભીર છે. લખનઉમાં આજે કોરોના વાયરસની સમીક્ષા બાદ મુખ્યમંત્રી અયોધ્યામાં રામ જન્મભૂમિ પરિસરમાં પહોંચ્યા હતા. કારસેવકપુરમમાં સંતો સાથે પાર્ટી પદાધિકારીઓ અને ટ્રસ્ટના સભ્યોને સંબોધિત કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, પાંચસો વર્ષોના લાંબા સંઘર્ષ અને લાખો બલિદાનો બાદ શ્રીરામ જન્મભૂમિ પર મંદિર નિર્માણની દિવ્ય ક્ષણો આવી છે. આપણે આ અવસરને વૈશ્વિક ઉત્સવનું રુપ આપવું પડશે. અયોધ્યામાં એક ઓગસ્ટથી જ દિવાળી જેવું દ્રશ્ય દેખાવું જોઈએ. લોકો પોતાના ઘરોમાં અને સંત મહંત પોતાના મંદિરોમાં ઘી ના દિપક પ્રજ્વલિત કરે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ જન્મભૂમિ સ્થળ પર ભગવાન રામની પૂજા અને ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણજીને નવા આસન પર બિરાજિત કરવામાં આવ્યા.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામલલ્લાના દર્શન કર્યા બાદ હનુમાનગઢી દર્શન કરવા માટે પહોંચ્યા હતા. પરિસરમાં રામ મંદિર નિર્માણની તૈયારીની સમીક્ષા કરી હતી. આ દરમિયાન જિલ્લા તંત્રના અધિકારી અને ટ્રસ્ટના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ન્યાસ કાર્યશાળામાં શ્રીરામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પસંદગી કરવામાં આવેલી શિલાઓ વિશે જાણકારી આપી હતી.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, લોકો પોતાના ઘરોમાં અને સંતો-મહંતો પોતાના મંદિરોમાં ઘીના દિપ પ્રજ્વલિત કરે. કોરોના સંક્રમણના કારણે તમામ લોકોની ઉત્સવમાં ઉપસ્થિતિ શક્ય નથી, પરંતુ દૂરદર્શન પર ભૂમિ પૂજનનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. તમામ લોકો પોતાના ઘરેથી જ ઐતિહાસિક અવસરના સાક્ષી બની શકશે. તેમણે સંતોને આગ્રહ કર્યો કે, કોરોનાના કારણએ તમામ સંતોને ભૂમિ પૂજનમાં આમંત્રિત નહી કરી શકાય. એટલા માટે જે સંતોના નામથી આમંત્રણ ટ્રસ્ટ દ્વારા મોકલવામાં આવે તે જ સંત આયોજનમાં પધારે. શિષ્ય અથવા સાધુઓને સાથે ન લાવે. કારસેવકપુરમમાં બેઠક સમાપ્ત કર્યા બાદ સીએસ સાકેત મહાવિદ્યાલય પહોંચ્યા હતા.
અયોધ્યામાં પાંચ ઓગસ્ટના રોજ વડાપ્રધાન મોદીના આગમનની તૈયારીઓને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે ઓફિસરો સાથે ભૂમિ પૂજન અને વડાપ્રધાનના પ્રવાસને લઈને સમીક્ષા બેઠક કરી હતી. ત્યાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સાધુ-સંતો સાથે પણ આ દરમિયાન મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ હનુમાનગઢીમાં દર્શન પણ કર્યા હતા અને બાદમાં રામ જન્મભૂમિ મંદિર પરિસરમાં જઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી.
