જરુર પડશે તો પીએમ આવાસ બહાર કરીશું ધરણાઃ ગહેલોત

જયપુરઃ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે વિધાનસભા સત્ર બોલાવીને સદનમાં બહુમત સાબિત કરવાની જિદ પર રાજ્યના મુખ્યમંત્રી અશોક ગહેલોત અડગ છે. મુખ્યમંત્રી એકવાર ફરીથી વિધાનસભા સત્ર બોલાવવાને લઈને રાજ્યપાલ કલરાજ મિશ્ર સાથે મુલાકાત કરી શકે છે. તો આજે જયપુરની ફેરમાર્કેટ હોટલમાં કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક થઈ હતી. આ દરમિયાન મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું કે, જરુર પડશે તો અમે રાષ્ટ્રપતિને મળવા માટે રાષ્ટ્રપતિ ભવન પણ જઈશું અને વધારે જરુરી હશે તો અમે વડાપ્રધાન આવાસની બહાર પણ વિરોધ પ્રદર્શન કરીશું. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના દીકરા વૈભવ ગહેલોતે આજે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, ભાજપ વિરુદ્ધ જયપુરમાં એક વિરોધ રેલી દરમિયાન પાર્ટીના સમર્થકોને સંબોધિત કરતા વૈભવે કહ્યું કે, કેન્દ્રમાં ભાજપ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી રાજસ્થાન સરકારને પાડવાના ષડયંત્રમાં શામિલ છે. છેલ્લા દોઢ વર્ષથી અમે ખેડુતો માટે કામ કર્યું છે. અમે કોરોના વાયરસ સામે અસરકારક રીતે લડત આપી છે. મને લાગે છે કે, ભાજપ આની સામે લડી નથી શકતી એટલા માટે તે કોંગ્રેસના નેતૃત્વ વાળી રાજસ્થાન સરકારને પાડવાનું ષડયંત્ર કરી રહી છે.

રાજ્યપાલને મળવા ગયેલા ભાજપના પ્રતિનિધિમંડળે સીએમ અશક ગહેલોતનું રાજીનામું માંગ્યું છે. રાજભવનથી પાછા આવ્યા બાદ મીડિયા સાથે વાત કરતા ભાજપના નેતા જીસી કટારીયાએ કહ્યું કે, મુખ્યમંત્રી રાજ્યના પ્રમુખ છે અને તેમણે કહ્યું હતું કે તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ઉલ્લંઘન માટે જવાબદાર નહી હોય. જો તેઓ જવાબદાર નહી હોય તો કોણ હશે? આ સાથે જ તેમણે કહ્યું કે, રાજ્યના મુખ્યમંત્રીને આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવાને લઈને પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ.

શુ્ક્રવારના રોજ મુખ્યમંત્રી અશોક ગહેલોતના નેતૃત્વમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલી રાજભવનની ઘેરાબંધી પર ભાજપના સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોરે કહ્યું કે, રાજભવનમાં કોંગ્રેસ સરકારે જે કર્યું છે તે રાજસ્થાનની રાજનીતિનું સૌથી નિમ્ન બિંદુ હતું. રાજ્યમાં હવે શાસન નથી. જે લોકોના હાથોમાં સત્તા છે તે લોકો ફાઈવ સ્ટાર હોટલમાં બેઠા છે અને રાજ્યના લોકો અનેક સમસ્યાઓથી પીડિત છે.