પટનાઃ બિહારની એક સ્કૂલમાં ટીચરે એવી હરકત કરી છે કે જે જાણ્યા પછી તમે દંગ રહી જશો. જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલમાં મળતા મિડ-ડે મીલની ફરિયાદ કરવા ટીચર પાસે પહોંચ્યા તો શિક્ષકોએ એની ફરિયાદનું સમાધાન કરવાને બદલે તેમની મારપીટ કરી દીધી. આ આખો મામલો બિહારના વૈશાલી જિલ્લાના લાલગંજ અતતુલ્લાહપુરની એક મિડલ સ્કૂલનો છે. જ્યારે સ્કૂલના મિડ-ડે મીલમાં મળતા ફૂડમાંથી કીડા નીકળ્યા તો વિદ્યાર્થીઓએ એની ફરિયાદ શિક્ષકને કરી. એ મામલો પ્રિન્સિપાલની પાસે પહોંચ્યો તો તેમણે વિદ્યાર્થીઓને કહ્યું ચૂપચાપ ખાઇ લો, કીડામાં વિટામિન હોય છે.
સ્કૂલના પ્રિન્સિપાલના આ પ્રકારના વર્તન પછી જ્યારે વિદ્યાર્થીઓએ એ ખાવાની ના પાડી તો શિક્ષકે એ વિદ્યાર્થીઓની મારપીટ કરી દીધી. શિક્ષકે માર મારતા એક વિદ્યાર્થિનીનો હાથ તૂટી ગયો હતો. જે પછી આ કેસમાં વધુ વિવાદ થયો. સ્કૂલની બાહર વિદ્યાર્થીઓનાં માતાપિતાએ ખૂબ હંગામો કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં અહીં અધિકારી પહોંચ્યા અને વિદ્યાર્થીના હાથ તૂટ્યાના રિપોર્ટની તપાસ કરી. લાલગંજના શિક્ષણ પદાધિકારી પરશુરામ સિંહનું કહેવું છે કે આ મામલાની તપાસ કરવામાં આવશે. શિક્ષક પર લાગેલા આરોપ સાચા સાબિત થશે તો તેની સામે કાર્યવાહી પણ થશે.
આ મામલે જે વિદ્યાર્થીનો હાથ તૂટ્યો હતો, તેણે જણાવ્યું હતું કે હાથ તૂટ્યા પછી શિક્ષકે દવા લગાવી હતી. કારમાં હોસ્પિટલ લઈ ગઈ અને પછી ઇન્જેક્શન અપાવી દીધું. દાદીને દવા આપીને કહ્યું કે એને ઘરે લઈ જાઓ અને એ દવા ખવડાવી દેજો.