એરફોર્સ ડેએ મહિલા અગ્નિવીર, હથિયારોની નવી સિસ્ટમની જાહેરાત

નવી દિલ્હીઃ દેશભરમાં આજે એરફોર્સ ડે ઊજવવામાં આવી રહ્યો છે. ઇન્ડિયન એરફોર્સ 90ની વર્ષગાંઠની ઉજવણી ચંડીગઢમાં કરી રહી છે. આ પહેલી વાર છે કે એરફોર્સ ડેનું આયોજન દિલ્હી-NCRની બહાર કોઈ અન્ય શહેરમાં થઈ રહ્યું છે. આ અવસરે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ પણ ચંડીગઢમાં ઉપસ્થિત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ખાસ દિવસે વાયુયોદ્ધાઓ અને તેમના પરિવારોને શુભેચ્છાઓ પાઠવી હતી.

એરફોર્સ ડેના પ્રસંગે એર ચીફ માર્શલ માર્શલ વિવેક રામ ચૌધરીએ કહ્યું હતું કે અમે દરેક પડકાર માટે તૈયાર છીએ. એરફોર્સ ભવિષ્ય માટે તૈયાર થઈ રહી છે. અમે આત્મનિર્ભર ભારત માટે આગળ વધી રહ્યા છીએ અને હવે સ્વદેશી હથિયારોની ખરીદી કરી રહ્યા છીએ. હવે નવી ટેક્નિક આધારિત સિસ્ટમને એર ફોર્સમાં સામેલ કરવામાં આવશે. એરફોર્સ ડેના દિવસે સેનાને નવી કોમ્બેટ યુનિફોર્મ પણ મળી ગઈ છે. આ ડ્રેસ બહુ ખાસ છે, જેથી દુશ્મનોને સરળતાથી માત આપી શકાય.

તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે સેનાના અધિકારીઓ માટે એક હથિયાર પ્રણાલી શાખા એટલે કે વેપન સિસ્ટમ બ્રાન્ચની સ્થાપનાને મંજૂરી આપી દીધી છે. સ્વતંત્ર્યતા પછી એરફોર્સમાં એક નવી શાખા બનાવવામાં આવી રહી છે. એનાથી સરકારને ઉડાન તાલીમના ખર્ચમાં કાપ કરીને રૂ. 3400 કરોડથી વધુની બચત કરવામાં મદદ મળશે.  

આગામી વર્ષથી એરફોર્સમાં મહિલા અગ્નિવીરોની ભરતી થશે. આ વર્ષે એરફોર્સમાં જે 3000 અગ્નિવીરોની ભરતી થઈ રહી છે, એમાં એક પણ મહિલા નથી.