અમિત શાહ પ્રધાનમંડળમાં જોડાતાં નવા ભાજપપ્રમુખની શોધ હજી ચાલુ છે

નવી દિલ્હી – ભારતીય જનતા પાર્ટીમાં સંસ્થાકીય ફેરફારો માટેની હિલચાલ મોટા પાયે ચાલી રહી છે. પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં જ્વલંત વિજય હાંસલ કર્યા બાદ હવે એના પ્રમુખ તરીકે નવા નેતાની શોધ જોરશોરથી ચાલી રહી છે.

હાલના પક્ષપ્રમુખ અમિત શાહને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમના પ્રધાનમંડળમાં સામેલ કરીને એમને ગૃહપ્રધાન બનાવ્યા છે તેથી હવે શાહની જગ્યાએ કોઈ અન્ય નેતાની વરણી કરવી પડશે.

ભાજપે ‘એક-વ્યક્તિ-એક-હોદ્દો’ સિદ્ધાંત અપનાવ્યો છે એટલે અમિત શાહે પક્ષનું પ્રમુખપદ છોડવું પડશે.

પક્ષપ્રમુખ તરીકે શાહની મુદત ગયા વર્ષના ડિસેંબરમાં પૂરી થઈ ચૂકી હતી, પણ એમની મુદત છ મહિના માટે લંબાવવામાં આવી હતી. હવે એ પણ આ મહિના અંતે પૂરી થશે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને પાર્ટીએ શાહની મુદત લંબાવી આપી હતી.

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જે.પી. નડ્ડાનું નામ નવા પક્ષપ્રમુખ તરીકે મોખરે છે. સંસ્થાકીય કામગીરીમાં એમની કુશળતા અને સ્વચ્છ પ્રતિભાને કારણે અન્ય ઉમેદવારોમાં એમનું નામ મોખરે લેવાય છે.

આમ છતાં, નવા પ્રમુખની પસંદગી પ્રક્રિયા પૂરી થતાં ઓછામાં ઓછા બે મહિના લાગશે. તેથી કોઈક કાર્યકારી પ્રમુખની પણ પસંદગી કરવી પડશે, જે શાહના રાજીનામા બાદ નવા પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખશે.

જગત પ્રકાશ નડ્ડા

અહેવાલો એવા છે કે જગત પ્રકાશ નડ્ડાને જ કાર્યકારી પ્રમુખ બનાવાશે અને ત્યારબાદ એમને જ પક્ષના પ્રમુખ બનાવાશે.

નડ્ડા હિમાચલ પ્રદેશના છે અને ભાજપના સંસદીય બોર્ડના સભ્ય છે.

નડ્ડા ઉપરાંત ભાજપના મહામંત્રી ભૂપેન્દ્ર યાદવનું પણ નામ સંભળાય છે.