બિહારમાં CM નીતીશકુમાર ભાજપ સાથે છેડો ફાડશે?

પટનાઃ બિહારમાં બધું સમુસૂતરું નથી. બિહારમાં જનતા દળ યુનાઇટેડ (JDU) અને ભાજપનું ગઠબંધન તૂટવાની અણીએ છે. વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી નીતિ આયોગની બેઠકમાં નીતીશકુમારની ગેરહાજરી ઘણી સૂચક હતી. JDU ટૂંક સમયમાં ગઠબંધને તોડીને મહાગઠબંધનો હાથ પકડે એવી શક્યતા છે. CM નીતિશકુમાર તેજસ્વી યાદવના નેતૃત્વવાળી RJD, ડાબેરી મોરચો અને કોંગ્રેસ સાથે એક વૈકલ્પિક સરકાર બનાવી યોજના બનાવી રહ્યા છે. એટલા માટે અન્ય પક્ષો સાથે વાતચીત ચાલી રહી છે.

JDUનો આરોપ છે કે ભાજપ તેમની પાર્ટી તોડવાની કોશિશ કરી રહ્યો છે અને RCP સિંહ દ્વારા JDUને નુકસાન પહોંચાડી રહ્યા છે. JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજને ભાજપનું નામ લીધા વગર તેમના પર ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો અને યોગ્ય સમયે બેનકાબ કરવાની વાત કરી હતી. જેથી બિહારના CMએ મંગળવારે પાર્ટીના બધા નિધાનસભ્યો અને સાંસદોની બેઠક બોલાવી છે, જેથી ગઠબંધન તૂટવાની અટકળો તેજ થઈ ગઈ છે.

રાજ્યના ઉપ મુખ્ય મંત્રી તારકિશોર પ્રસાદ, આરોગ્યપ્રધાન મંગલ પાંડે અને બિહાર એકમના અધ્યક્ષ ડો. સંજય જાયસ્વાલના નેતૃત્વમાં ભાજપના એક પ્રતિનિધિમંડળના વરિષ્ઠ કેબિનેટ મંત્રી અને નીતીશકુમારના નજીકના વિજયકુમાર ચૌધરીની મુલાકાત થઈ હતી. તેમની વચ્ચે રાજકીય સ્થિતિ પર ચર્ચા થઈ હતી. બીજી બાજુ કોંગ્રેસે પણ એના વિધાનસભ્યોની એક બેઠક પટનામાં બોલાવી છે.

બીજી બાજુ, RJDએ રાજ્યના મુખ્ય પ્રધાન નીતીશકુમારને ખુલ્લી ઓફર આપી છે. RJDના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીએ કહ્યું હતું કે બંને પક્ષો દ્વારા વિધાનસભ્યોની બેઠક બોલાવવી એ સ્પષ્ટ સંકેત છે કે સ્થિતિ સાધારણ નથી.