અમૃતસર – પંજાબના પ્રધાન અને ભૂતપૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિધુએ જાહેરાત કરી છે કે અમૃતસરમાં થયેલી ગમખ્વાર ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલાઓનાં પરિવારોને પોતે દત્તક લેશે.
સિધુએ આજે અહીં પત્રકાર પરિષદ બોલાવી હતી અને એમાં કહ્યું હતું કે હું મારા બાકી રહેલા જીવનમાં એ તમામની સંભાળ લઈશ.
ગયા અઠવાડિયે અમૃતસર શહેરના જોડા ફાટક વિસ્તારમાં દશેરા તહેવારની ઉજવણી માટે સૌરભ મેદાન ખાતે રાવણદહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એ મેદાનની બાજુમાંથી જ રેલવેલાઈન પસાર થાય છે. સેંકડો લોકો રાવણદહન જોવા માટે રેલવેના પાટા પર જમા થયા હતા. અચાનક એક ટ્રેન ધસમસતી ત્યાં આવી ચડી હતી અને એની નીચે કચડાઈ જવાથી અને હડફેટે આવી જવાથી 61 જણ માર્યા ગયા હતા અને બીજાં 70થી વધુ લોકો ઘાયલ થયા હતા.
સિધુના પત્ની નવજોત કૌર એ રાવણદહન કાર્યક્રમ વખતે મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાં હતાં.