હવે જથ્થાબંધ મોંઘવારીનો દર ચાર મહિનાની ઊંચાઈએ  

નવી દિલ્હીઃ રિટેલ મોંઘવારી દર પછી જથ્થાબંધ ફુગાવાનો દરે ટેન્શન વધાર્યું છે. ઓક્ટોબરમાં જથ્થાબંધ ફુગાવો ચારમહિનાની ઊંચાઈએ 2.36 ટકાએ પહોંચ્યો છે. આ પહેલાં જૂન, 2024માં એ 3.43 ટકાએ પહોંચ્યો હતો. આ અગાઉ સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો 1.84 ટકા હતો. ઓગસ્ટમાં તે ઘટીને 1.31% પર આવી ગયો. શાકભાજી અને ખાદ્યપદાર્થોના ભાવમાં વધારાને કારણે મોંઘવારી વધી છે.

આ સથે દૈનિક આવશ્યક ચીજવસ્તુઓનો મોંઘવારી દર 6.59 ટકાથી વધીને 8.09 ટકા થઈ છે. ખાદ્ય પદાર્થોનો ફુગાવો 9.47 ટકાથી વધીને 11.59 ટકા થયો છે, જ્યારે ઇંધણ અને પાવરનો જથ્થાબંધ ફુગાવાનો દર -4.05 ટકાથી ઘટીને -5.79 થયો છે. મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સનો જથ્થાબંધ ફુગાવાનો દર 1ટકાથી વધીને 1.50 ટકા થયો છે.

ખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 3.37 ટકા અને ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસનો મોંઘવારી દર ઘટીને 0.41 ટકા પર આવી ગયો છે. ઓક્ટોબરમાં ખનિજોનો જથ્થાબંધ ફુગાવાનો દર ઘટીને -1.67 ટકા અને બિન-ખાદ્ય ચીજોનો ફુગાવાનો દર -0.37 ટકાના દરે દેખાયો છે. સપ્ટેમ્બરની સરખામણીએ કેટલાક વિસ્તારોમાં પરિવર્તન જોવા મળ્યું છે.

જો જથ્થાબંધ ભાવ લાંબા સમય સુધી ઊંચા રહે છે, તો ઉત્પાદકો તેનો બોજ ગ્રાહકો પર નાખે છે. સરકાર માત્ર ટેક્સ દ્વારા જ WPIને નિયંત્રિત કરી શકે છે. સરકારે ઇંધણ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. જોકે સરકાર એક મર્યાદામાં જ ટેક્સમાં ઘટાડો કરી શકે છે. ગયા મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દરના આંકડા કમોબેશન રિટેલ ઈન્ફલેશનના આંકડાના સમાન જોવા મળી રહ્યા છે. ઓક્ટોબરમાં છૂટક મોંઘવારી દર છ ટકાને પાર કરતાં 6.21 ટકાએ પહોંચ્યો હતો. ખાદ્ય મોંઘવારી દર ડબલ ડિજિટ ક્રોસિંગ પાર કરીને 10.87 ટકા પર પહોંચી ગયા છે અને આને લીધે છૂટક મોંઘવારી દરમાં મોટો વધારો જોવા મળ્યો છે.

તાજેતરમાં યોજાયેલી નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં આરબીઆઈએ આ નાણાકીય વર્ષ માટે તેના ફુગાવાના અંદાજને 4.5 ટકા પર યથાવત રાખ્યો હતો. આરબીઆઈ ગવર્નરે કહ્યું હતું  મોંઘવારી ઘટી રહી છે, પરંતુ પ્રગતિ ધીમી અને અસમાન છે. ભારતનો ફુગાવો અને વૃદ્ધિનો માર્ગ સંતુલિત રીતે આગળ વધી રહ્યો છે, પરંતુ ફુગાવો  લક્ષ્ય પર રહે તેની ખાતરી કરવા માટે સતર્ક રહેવું મહત્વપૂર્ણ છે.