CWC: કોંગ્રેસવડાનું કોકડું ઉકેલાવાની અણી પર, મુકૂલ વાસનિક સૌથી આગળ

નવી દિલ્હી- 10 ઓગસ્ટે દેશના સદી જૂનાં રાજકીય પક્ષ કોંગ્રેસને પોતાના અધ્યક્ષ મળી જાય તેવી વકી છે. લોકસભા 2019ની ચૂંટણીમાં કારમી હાર બાદ અસ્તવ્યસ્ત થઈ ગયેલ કોંગ્રેસ માટે આગામી સમયમાં યોજાનાર કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓને લઇને તૈયારીઓનો સમય પાકી ગયો છે. ત્યારે આજે  યોજાનારી કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પક્ષના નવા અધ્યક્ષ નક્કી કરવામાં આવે એવી શક્યતાઓ છે. પક્ષના નવા વડા તરીકેની રેસમાં મરાઠી દલિત નેતા મુકૂલ વાસનિક સૌથી આગળ છે.

59 વર્ષના મુકૂલજીને લાંબો પ્રશાસનીય અનુભવ છે અને તેઓ અગાઉ મંત્રી પણ રહી ચૂક્યાં છે. આ વર્ષના અંતે આવી રહેલી મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી સુધી પક્ષનું નેતૃત્વ તેમને સોંપવામાં આવી શકે છે એવી માહિતી સૂત્રો તરફથી વહેતી થઈ છે. જો આ વાત સાચી પડી તો છેલ્લાં બે દશકમાં ગાંધી પરિવાર બહારના પહેલાં કૉંગ્રેસ અધ્યક્ષ મુકૂલ વાસનિક હશે.

વાસનિક ઉપરાંત પૂર્વ પ્રધાન સુશીલકુમાર શીંદેનું નામ પણ રેસમાં છે. અગાઉ સોનિયા ગાંધીના ઘરે મળેલી બેઠકમાં નવા અધ્યક્ષના નામ પર ચર્ચા થઈ હતી, જેમાં આ વર્ષના અંતે ને અગામી વર્ષે આવી રહેલી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી અધ્યક્ષની પસંદગી કરવાનો વિચાર થયો હતો. એટંની, કેવી વેણુગોપાલ અને અહેમદ પટેલ આ બેઠકમાં સામેલ હતા.

સૂત્રોના હવાલેથી મળેલા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, CWCની બેઠકમાં પાર્ટી અધિકારિક રીતે રાહુલ ગાંધીએ પાર્ટીના વડા તરીકે નિભાવેલી જવાબદારી બદલ તેમને અભિનંદન પાઠવશે.