નવી દિલ્હીઃ જમ્મુકાશ્મીરથી આર્ટિકલ 370 ફેરફાર કરવાના મોદી સરકારના નિર્ણય બાદ પાકિસ્તાન દુનિયાભરમાંથી મદદ માંગી રહ્યું છે પરંતુ ક્યાંયથી તેને આશરો મળી રહ્યો નથી. દરેક બાજુથી તેને નિરાશા જ હાથ લાગી રહી છે અને એટલે જ હવે નિરાશ થઈ ગયેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વારંવાર ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપે છે. તાજેતરમાં જ ઈમરાન ખાને કહ્યું કે બંન્ને દેશો પાસે પરમાણુ હથિયાર છે, જો આ મામલો યુદ્ધ સુધી જાય તો આખી દુનિયા પ્રભાવિત થશે.
ભારતે લાંબા સમય પહેલા પરમાણુ હુમલો ન કરવાની નીતિની જાહેરાત કરી છે પરંતુ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કેટલાક દિવસો પહેલાં નિવેદન આપ્યું હતું કે પરિસ્થિતિઓ અનુસાર ભારત પોતાની આ રણનીતિમાં બદલાવ કરી શકે છે. નો ફર્સ્ટ યૂઝ નીતિ અંતર્ગત ભારત માત્ર પરમાણુ હુમલાની જ સ્થિતિમાં પરમાણુ હથિયારોનો જ ઉપયોગ કરશે. જો કે પાકિસ્તાને અત્યાર સુધી પરમાણુ હથિયારોના ઉપયોગને લઈને આ પ્રકારની કોઈ રણનીતિની જાહેરાત કરી નથી.
પારંપરિક સૈન્ય ક્ષમતામાં પાકિસ્તાની સેના ભારતીય સેનાનો મુકાબલો ન કરી શકે એટલા માટે જ પાકિસ્તાન વારંવાર પરમાણુ યુદ્ધની ધમકીઓ આપે છે. ધ પાકિસ્તાની આર્મીઝ વે ઓફ વોર પુસ્તકના લેખક સી ક્રિસ્ટીન ફાઈ કહે છે કે, પાકિસ્તાન પાસે એવી સેના છે કે જે યુદ્ધ શરુ કરી શકે પરંતુ તેને ક્યારે જીતી નથી શકતો અને તેની પાસે પરમાણુ હથિયાર છે પરંતુ તે તેનો ઉપયોગ ન કરી શકે.
આમ તો ભારત-પાકિસ્તાનના કુલ પરમાણુ હથિયારને જોઈએ તો યૂએસ, રશિયા અને ચીનના પરમાણુ જથ્થાની તુલનામાં ઓછાં છે. પરંતુ આ પરમાણુ હથિયાર 1945માં જાપાનમાં ફેંકવામાં આવેલા પરમાણુ બોંબથી ખૂબ વધારે શક્તિશાળી અને વિધ્વંસક છે. દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદથી કોઈપણ દેશે પરમાણુ હથિયારોનો ઉપયોગ નથી કર્યો પરંતુ દુનિયાભરમાં આશરે 15000 જેટલા પરમાણુ હથિયારો મોજૂદ છે. જો સીમિત માત્રામાં પણ પરમાણુ બોંબનો ઉપયોગ કરવામાં આવે તો તેના અપ્રત્યાશિત વિનાશકારી પરિણામો જોવા મળી શકે છે.
બંન્ને દેશ પરમાણુ હથિયાર સંપન્ન દેશ છે. જો પરમાણુ યુદ્ધ કદાચ થાય તો પણ આ સ્થિતિમાં બંન્ને દેશોને જ આનું નુકસાન ભોગવવું પડશે. ભારત-પાકિસ્તાનના પરમાણુ યુદ્ધની સ્થિતિમાં જો બન્ને દેશ પોતાના અડધા જેટલા પરમાણુ બોંબનો પણ ઉપયોગ કરે તો સીધાં જ 2.10 કરોડ લોકો માર્યા જશે.
ભારતની પરમાણુ ક્ષમતા
ભારત પાસે ત્રણેય મોરચાઓથી પરમાણુ હુમલો લડવાની ક્ષમતા છે એટલે કે ભારત જમીન, આકાશ અને સમુદ્ર ત્રણેય જગ્યાઓ પરથી પરમાણુ યુદ્ધ લડવામાં સક્ષમ છે. 2018માં ભારતની પરમાણુ શક્તિ સંપન્ન સબમરીન આઈએનએસ અરિહંત પણ સેનામાં જોડાઈ ગઈ છે. ભારતની જમીનથી માર કરનારી બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-3 ની રેન્જ 3000 કિલોમીટર છે.
પાકિસ્તાન પાસે ભલે ભારતથી થોડા વધારે પરમાણુ બોંબ હોય પરંતુ તે પોતાના ટાર્ગેટને ભેદવામાં સક્ષમ નથી. પાકિસ્તાન નવી બેલેસ્ટિક મિસાઈલ્સનો વિકાસ કરી રહ્યું છે અને તેની વર્તમાન બેલેસ્ટિક મિસાઈલની ક્ષમતા 2000 કિલોમીટર છે. પાકિસ્તાન પાસે કોઈપણ પરમાણુ હથિયાર સંપન્ન સબમરિન નથી. જ્યારે ભારત પાસે હવે બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલ છે, જે જમીન, સમુદ્ર અથવા આકાશ, ગમેત્યાંથી તેને છોડી શકાય છે. આ પાકિસ્તાની સૈન્ય ઠેકાણાંઓને પણ પોતાના નિશાને લઈ શકે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પાકિસ્તાન પાસે આશરે 140-150 પરમાણુ બોંબ છે જ્યારે ભારત પાસે 130-140 પરમાણુ બોંબ છે. ભારત પાસે 9 પ્રકારની ઓપરેશનલ મિસાઈલો છે જેમાં અગ્નિ-3નો પણ સમાવેશ થાય છે. બુલેટિન ઓફ એટોમિક સાઈન્ટિસ્ટ અનુસાર ભારત પાસે પૃથ્વી અને અગ્નિ શ્રૃંખલામાં સપાટીથી સપાટી પર માર કરનારી બેલેસ્ટિક મિસાઈલોની સંખ્યા 56 છે જેમાં ભારતની 53 ટકા યુદ્ધ સામગ્રીને રાખવામાં આવી છે. તો K-15 સાગરિકા બેલેસ્ટિક મિસાઈલ્સમાં 12 પરમાણુ હથિયારો ઉપસ્થિત છે.
પાકિસ્તાનના નાના ભૌગોલિક આકારને જોતાં ભારત ઈસ્લામાબાદ, રાવલપિંડી, લાહોર, કરાંચી, અને નૌશેરામાં પાકિસ્તાની આર્મી આર્મ્ડ કોર્પ્સ હેડક્વાર્ટરને નિશાન બનાવી શકે. જો કે કેટલાક વિશ્લેષક ચેતવણી આપતા કહે છે કે લાહોર અને કરાંચી પર જો પરમાણુ હુમલો થાય તો આ માત્ર પાકિસ્તાનની સીમા સુધી જ સીમિત નહીં રહે, હવાઓની દિશાથી ભારતીય અને અફઘાનિસ્તાની સીમાઓ પણ પ્રભાવિત થશે.
250 કિમી રેન્જવાળી પૃથ્વી મિસાઈલ ભારતના 24 પરમાણુ હથિયારોને લઈ જવા માટે બનાવવામાં આવી છે. આ મિસાઈલો પાકિસ્તાનના પ્રમુખ શહેર લાહોર, સિયાલકોટ, ઈસ્લામાબાદ, અને રાવલપિંડીને નિશાને લઈ શકે છે. ભારત પાસે 20 અગ્નિ –I અને અગ્નિ-2 મિસાઈલ્સ છે જેની મારક ક્ષમતા ક્રમશઃ 700 કિમી અને 2000 કિમી છે. આ પાકિસ્તાનના લગભગ તમામ શહેરો જેવા કે લાહોર, ઈસ્લામાબાદ, રાવલપિંડી, મુલતાન, કરાંચી, પેશાવર, અને ક્વેટા તેમ જ ગ્વાદર સુધીમાં તબાહી મચાવી શકે છે.
ભારતની વધારે રેન્જવાળી મિસાઈલ્સ અગ્નિ III, IV અને V પણ પાકિસ્તાનના દરેક ક્ષેત્ર સુધી પહોંચવામાં સક્ષમ છે, પરંતુ તેને ચીનથી યુદ્ધની સ્થિતિમાં ઉપયોગ કરવા માટે બનાવવામાં આવી છે. ભારત પાસે 350 કિમી રેન્જ વાળી નાના અંતર સુધી માર કરવા માટે સક્ષમ બેલેસ્ટિક મિસાઈલ ધનુષ પણ છે કે જે પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ છે.
યુદ્ધ થવાની સ્થિતિમાં ભારતના એરક્રાફ્ટ પોતાના કુલ પરમાણુ યુદ્ધ સામગ્રીના આશરે 45 ટકા જેટલો ભાગ વરસાવી શકે છે. ભારતીય વાયુસેનાના જેગુઆર ફાઈટર બોમ્બર 16 પરમાણુ બોંબ પોતાની સાથે લઈ જઈ શકે છે જ્યારે ફ્રાંસમાં બનેલું તાકાતવર મિરાજ 2000 પોતાની સાથે 32 પરમાણુ બોંબ લઈ જઈ શકે છે.
એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાનના તમામ 66 ટકા જેટલા પરમાણુ હથિયાર બેલેસ્ટિક મિસાઈલ પર તહેનાત છે. બુલેટિન ઓફ ધ એટોમિક સાઈન્ટિસ્ટ ડેટાના અનુમાન અનુસાર, પાકિસ્તાનની 66 ટકા જેટલી પરમાણુ સામગ્રી 86 બેલેસ્ટિક મિસાઈલો પર તહેનાત છે.
પાકિસ્તાનની હત્ફની બેલેસ્ટિક મિસાઈલ્સની સીરીઝ પણ ભારે તબાહી મચાવી શકે છે. મુંબઈમાં એક થિંક ટેંકના સદસ્ય અનુસાર જો પાકિસ્તાન મીડિયમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કરે છે તો ભારતના ચાર મહાનગર દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, અને ચેન્નઈને નિશાને લેવાનો પ્રયત્ન કરશે. પાકિસ્તાનની મધ્યમ દૂરી સુધીની બેલેસ્ટિક મિસાઈલ ભારતીય સેનાના મેજર કમાન્ડને પણ ટાર્ગેટ કરી શકે છે.
પાકિસ્તાન બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ પર નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝ બેંગ્લોરના 2006 માં આવેલા રિપોર્ટ અનુસાર પાકિસ્તાનના આશરે અડધાથી વધારે પરમાણુ બોંબ ગોરી મિસાઈલથી ફેંકવામાં આવી શકે છે. આ મિસાઈલની રેન્જ 1300 કિલોમીટર છે અને દિલ્હી, જયપુર, અમદાવાદ, મુંબઈ, પુણે, નાગપુર, ભોપાલ અને લખનઉ તેના ટાર્ગેટમાં આવી શકે છે. પાકિસ્તાન પાસે આશરે 8 વોરહેટ એવા છે જે શાહીન II થી ફેંકવામાં આવી શકે છે. આ મીડિયમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલની રેન્જ 2500 કિલોમીટર છે અને તે ભારતના મોટાભાગના શહેરોને પોતાની તાકમાં લઈ શકે છે, જેમાં પૂર્વ તટ પર સ્થિત કોલકાતા પણ આવી જાય તેવી શક્યતાઓ નકારી ન શકાય. એક અનુમાન અનુસાર 16 વોરહેડ ઓછી દૂરીની બેલેસ્ટિક મિસાઈલ્સ ગજનવીથી છોડવામાં આવી શકે છે. આની મારક ક્ષમતા 270 થી 350 કિલોમીટર છે અને તે લુધિયાણા, અમદાવાદ અને દિલ્હીને ટાર્ગેટ કરી શકે છે.
પાકિસ્તાન પાસે અનુમાનિત 16 ન્યૂક્લિયર ટિપ્ડ શોર્ટ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ્સ છે જેમાં શાહીન 1ની રેન્જ 750 કિલોમીટર છે. આની પહોંચ લુધિયાણા, દિલ્હી, જયપુર અને અમદાવાદ સુધી હશે. પાકિસ્તાન પાસે આશરે 660 કિલોમીટરની રેન્જ વાળી NASR મિસાઈલ્સ છે. આ ટેક્ટિકલ ન્યૂક્લિયર મિસાઈલ્સ ભારતીય સેનાની વધતી ટુકડીઓને ટાર્ગેટ કરી શકે છે. પાકિસ્તાનના 28 ટકા પરમાણુ બોંબ એરક્રાફ્ટનો ઉપયોગ કરીને ફેંકવામાં આવી શકે છે. અમેરિકામાં બનેલું F-16 A/B એરક્રાફ્ટ એકસાથે 24 બોંબ ફેંકી શકે છે જ્યારે ફ્રાંસમાં બનેલું મિરાજ III/V એકવારમાં 12 બોંબ ફેંકી શકે છે.