નવી દિલ્હી: વોટ્સએપ યુઝર્સ માટે ખુશખબરી છે. લાંબી રાહ જોવડાવ્યા પછી હવે કંપનીએ આખરે તેના વપરાશકર્તાઓ માટે ડાર્ક મોડ સુવિધા રજૂ કરી છે. ડાર્ક મોડ ફિચર આઇઓએસ અને એન્ડ્રોઇડ બંને પ્લેટફોર્મ્સ પર રોલ આઉટ કરવામાં આવ્યું છે. ધીમે ધીમે આ અપડેટ બધા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ થશે. છેલ્લા ઘણા મહિનાઓથી ડાર્ક મોડનું પરીક્ષણ ચાલી રહ્યું હતુ.
ડાર્ક મોડની સૌથી મોટી ખાસીયત એ છે કે, એમાં ચેટિંગ દરમ્યાન તમારી આંખોને મુશ્કેલી નહીં પડે. આ સાથે જ ડાર્ક મોડ ફોનની સ્ક્રીનમાંથી નિકળતી લાઈટને પણ ઓછી કરી દેશે, જેથી ફોનની બેટરી પણ ઓછી ઉતરશે. પહેલાની સરખામણીએ ડાર્ક મોડમાં ચેટિંગ નવો અનુભવ આપશે.
તાજેતરમાં જ કંપનીએ ડાર્ક મોડનો લોગો પણ બહાર પાડ્યો હતો. આ લોગોનો રંગ કાળો છે. કંપનીને તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર નવા લોગો વિશે માહિતી આપી હતી. આ સાથે જ કંપનીએ તેના ટ્વિટર એકાઉન્ટ અને બ્લોગ પોસ્ટ પરથી ડાર્ક મોડ સુવિધા વિશે માહિતી આપી છે.
ડાર્ક મોડને યુઝર્સ તેમની જરૂરીયાત અનુસાર ચાલુ બંધ કરી શકશે. ડાર્ક મોડમાં બ્લેક બેકગ્રાઉન્ડ પર ડાર્ક ગ્રે ટેકસ્ટ જોવા મળશે. ડાર્ક મોડ ખાસ કરીને નાઈટ ચેટિંગને વધુ સારું બનાવે છે.
જો તમારા ફોનમાં પહેલાથી જ આઇઓએસ 13 અથવા એન્ડ્રોઇડ 10 છે તો તમે સેટિગ્સમાં જઈને ડાર્ક મોડને ચાલુ કરી શકો છો. પરંતુ જો તમે Android 9 નો ઉપયોગ કરી રહ્યાં છો તો તમારે ડાર્ક મોડનો ઉપયોગ કરવા માટે વોટ્સએપ સેટિંગ્સમાં જઈને ચેટ્સ પર ટેપ કરવાનું રહેશે. ત્યાં તમને થીમ ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરીને ડાર્ક મોડનો વિકલ્પ મળશે. મહત્વનું છે કે, ડાર્ક મોડ માટે સૌથી જરૂરી છે કે, તમારું વોટ્સએપ લેટેસ્ટ વર્ઝન વાળું હોય. જો તમે જૂનું વોટ્સએપ વર્ઝન વાપરી રહ્યા હોવ તો પ્લેસ્ટોર પરથી તેને અપડેટ કરી શકો છો.