કોલકાતા- નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની રેલી પછી હવે ભાજપના દિગ્ગજ નેતા વિશાળ જનમેદની સાથે કોલકાતાના રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. ભાજપના પશ્ચિમ બંગળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીય અને કેન્દ્રીયમંત્રી જેપી નડ્ડાના નેતૃત્વમાં આ નેતાઓ CAAનું સમર્થન કરી રહ્યા છે. ભગવા પાર્ટીએ આ રેલીને ‘અભિનંદન’ નામ આપ્યું છે.
ભાજપે તેમની આ વિશાળ રેલી મારફતે રાજ્યમાં પાર્ટીની તાકતનો અહેસાસ કરાવ્યો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે, સીએએ મુદ્દા પર વિપક્ષો લોકોમાં ખોટો ભ્રમ ફેલાવી રહ્યા છે. કોલકાતાના રસ્તાઓ પર ભગવા ઝંડા લઈને નિકળેલા ભાજપના નેતાઓ અને કાર્યકર્તા સીએએ ના સમર્થનમાં નારેબાજી કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે, મમતા બેનર્જીની રાજ્યના અનેક હિસ્સાઓમાં રેલી પછી ભાજપે હવે પલટવાર કર્યો છે.
ભાજપની અભિનંદન રેલની ધ્યાનમાં રાખતા સુરક્ષાનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તાર કેસરીયા ઝંડા અને પોસ્ટરોથી ઉભરાઈ ગયો છે. મહત્વનું છે કે, મમતા બેનર્જીએ નવા નાગરિકતા કાયદા પર સંયુક્ત રાષ્ટ્રીની દેખરેખ હેઠળ જનમત સંગ્રહ કરાવવાની માગ કરી હતી. જોકે, તેમનું નિવેદન ટીકાનો ભોગ બનતા તેમણે યુટર્ન લીધો અને કહ્યું કે, મારો કહેવાનો અર્થ, નિષ્પક્ષ વિશેષજ્ઞોની દેખરેખમાં એક ઓપિનિયન પોલ કરાવવાનો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય અધિકારીઓની ચેતાવણી અને મુખ્યમંત્રી મમતા બેનર્જીની અપીલ છતાં પણ પ્રદર્શન દરમ્યાન થયેલી હિંસામાં કથિત સામેલગીરી મામલે અત્યાસુધીમાં 600થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.