નવી દિલ્હીઃ ‘ભારતના G20 શેરપા’ અમિતાભ કાંતે કહ્યું છે કે, ‘આપણા માટે એક મુકેશ અંબાણી અને એક ગૌતમ અદાણી પર્યાપ્ત નથી. આપણે વિકાસ કરવો હોય તો 10,000 અંબાણીઓ અને 20,000 અદાણીઓની જરૂર પડે.’ અમિતાભ કાંત નીતિ આયોગના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર પણ છે. G20 શેરપા એટલે જે તે દેશમાં G20 કે G7 જેવા શિખર સંમેલનોના આયોજનની તૈયારીઓ માટે તે દેશના વડા કે સરકારના અંગત પ્રતિનિધિ અથવા દૂત.
કાંતે ગઈ કાલે અહીં પીએચડી હાઉસ ખાતે આયોજિત એક સંવાદ કાર્યક્રમમાં એમ જણાવ્યું હતું કે, ‘ભારતને G20 શિખર સંમેલનનું પ્રમુખપદ સંભાળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે બહુ મોટી વાત કહેવાય. તમારે આ તકનો લાભ લેવો જોઈએ. તમને આ તક ફરી ક્યારેય નહીં મળે. જો ભારતને આવતા ત્રણ દાયકામાં 9-10 ટકાના દરે આર્થિક વિકાસ હાંસલ કરવો હોય તો તમારે દર વર્ષે 30-40 ટકા જેટલા દરે વિકાસ કરવો પડશે. ભારત માટે આ મોટો પડકાર છે. જ્યાં સુધી તમે જાતે સમૃદ્ધ નહીં થાવ ત્યાં સુધી ભારત પ્રગતિ કરી શકશે નહીં.’
આવતા વર્ષે ભારતમાં G20 શિખર સંમેલન યોજાશે એ પૂર્વે G20 શેરપાના માર્ગદર્શન હેઠળ દેશમાં ફાઈનાન્સને લગતી 200 જેટલી મીટિંગો યોજાશે.
G20માં આર્જેન્ટિના, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, ચીન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, ઈટાલી, જાપાન, સાઉથ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, સાઉથ આફ્રિકા, તુર્કી, બ્રિટન, અમેરિકા અને યુરોપીયન યુનિયન સમાવેશ થાય છે. ભારતે પોતાના G20 પ્રમુખપદ સમયગાળા દરમિયાન મહેમાન દેશો તરીકે બાંગ્લાદેશ, ઈજિપ્ત, મોરિશ્યસ, નેધરલેન્ડ્સ, નાઈજિરીયા, ઓમાન, સ્પેન, સિંગાપોર, યૂએઈનો સમાવેશ કર્યો છે.
